છોટાઉદેપુર : જિલ્લા વિકાસ અધિકારીને જીપ છોડી પગપાળા જવું પડયું, જુઓ શું છે કારણ
ગુજરાતને વિકાસ મોડલ તરીકે રજુ કરવામાં આવે છે પણ છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારીને ખરાબ રસ્તાનો કડવો અનુભવ થયો છે.
ગુજરાતને વિકાસ મોડલ તરીકે રજુ કરવામાં આવે છે પણ છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારીને ખરાબ રસ્તાનો કડવો અનુભવ થયો છે. ખરાબ રસ્તાને કારણે ગામ સુધી જીપ ન પહોંચી શકતાં જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ કલેકટરને પગપાળા જવાની ફરજ પડી હતી..
ગુજરાતના કેટલાય અંતરિયાળ ગામડાઓ હજી પાકા રસ્તાઓથી જોડાયાં નથી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની વાત કરવામાં આવે તો સાંકડીબારી, ગનીયાબારી સહિતના અનેક ગામડાઓએ હજી વિકાસ જોયો નથી. આ ગામડાઓના લોકો વર્ષોથી કાચા રસ્તાઓ કે પગદંડી પરથી અવરજવર કરતાં હોય છે. પાકા રસ્તાઓના અભાવે ખાસ કરીને ચોમાસામાં લોકોની હાલત કફોડી બની જાય છે. સરકાર ભલે સૌનો સાથ, સૌના વિકાસની વાત કરતી હોય પણ આ ગામડાઓના લોકો વિકાસથી વંચિત રહી ગયાં છે. તેમના નસીબમાં જાણે હાલાકીઓ જ લખી હોય તેમ લાગી રહયું છે. સરકાર આદિવાસી સમાજ પ્રત્યે અસંવેદનશીલ હોય તેમ લાગી રહયું છે.
સ્થાનિક આદિવાસીઓ કેટલી હાલાકી ભોગવી રહયાં છે તેનો જાત અનુભવ છોટાઉદેપુરના ડીડીઓ તથા નાયબ કલેકટરને થયો છે. વાત એમ બની કે, ડીડીઓ ગંગાસિંઘ અને નાયબ કલેકટર સાંકડીબારી તથા આજુબાજુના ગામોમાં ચાલી રહેલાં રસીકરણ અભિયાનની કામગીરી જોવા માટે નીકળ્યાં હતાં. છોટાઉદેપુરથી તેઓ સરકારી જીપમાં રવાના થયાં હતાં પણ તેઓ જયારે ડુંગર વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે રસ્તાઓ ઉબડખાબડ હતાં. તેમણે સરકારી જીપને મુખ્ય રસ્તા પર મુકી ખાનગી જીપમાં સાંકડીબારી જવા માટે નીકળ્યાં પણ તેમની ખાનગી જીપ પણ બે વખત ખાડામાં ફસાઇ ગઇ હતી. રસ્તાઓ પર વાહનો ચાલી શકે તેવી સ્થિતિ નહિ હોવાથી આખરે બંને ઉચ્ચ અધિકારીઓએ પગપાળા જ ગામમાં પહોંચવાનું નકકી કર્યું હતું. તો હવે જોઇએ છોટાઉદેપુરના ડીડીઓ ગંગાસિંઘ શું કહી રહયાં છે.