Connect Gujarat
ગુજરાત

દાહોદ : હાઈસ્પિડ બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ

મુખ્ય સુત્રધાર સહિત 3 સાગરીતોની પોલીસે કરી ધરપકડ

દાહોદ : હાઈસ્પિડ બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ
X

દાહોદ શહેર પોલીસે બાઇક ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ગેંગના અન્ય ત્રણ સભ્યોની ધરપકડ કરી 11 ચોરીની બાઇક સહિત ચોરી કરેલ એક બોલેરો જીપ પણ કબ્જે કરી છે.

મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ રાજ્યના અનેક શહેરો તેમજ ગામડાઓમાં બાઇક ચોરીની ઘટનાને અંજામ આપનાર આંતરરાજ્ય બાઇક ચોર ગેંગને ઝડપી પાડવામાં દાહોદ શહેર પોલીસને મોટી સફળતા સાંપડી છે. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બહેડીયા ગામે રહેતો સુનીલ કહારસિંહ ડાવર જેની ઉંમર માત્ર 20 વર્ષ ની જ છે, તેણે બાઇક ચોરીમાં જાણે કે ભગીરથ હાંસલ કરી લીધું હતું. સુનિલે ખુબજ નાની વયે ગુનાઓની દુનિયામાં પગ પેસારો કર્યો હતો. ગુનાઓની દુનિયામાં સુનિલે પોતાની બાઇક ચોરી માટેની એક અલાયદી ગેંગ પણ ઉભી કરી હતી. આ ગેંગ ગુજરાત મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના વિવિધ શહેરો તેમજ ગામડાઓને ટાર્ગેટ કરતી અને રેકી કર્યા બાદ આ ગેંગના સભ્યો આંખના પલકારામાં બાઇક ચોરી કરી ફરાર થઈ જવામાં સફળ થતા હતાં.

જોકે, છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરી ગેંગનો આતંક દાહોદ શહેરમાં વધી જતાં શહેર પોલિસે આ બાઇક ચોર ગેંગને ઝબ્બે કરવા માટે તમામ શહેર બહારના પોઇન્ટ પર વાહન ચેકીંગ કડક પણે હાથ ધર્યું હતું તેમજ શહેરના વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ સઘન કર્યું હતું. પેટ્રોલિંગ દરમીયાન પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના જોબટનો સુનિલ ડાવર તેની ગેંગના એક સભ્ય સાથે ચોરીની બાઇક પર દાહોદમાં આવનાર છે, જે બાતમીના આધારે પોલીસે ગરબાડા ચોકડી વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સુનિલ ચોરીની એક બ્લેક રેડ કલરની મોટર સાયકલ નં-MP-45B-4998ની લઇને આવતા તેમને પોલીસે કોર્ડન કરી ગાડી ઉભી રખાવી હતી. પોલીસે ગાડી પર બેઠેલ ઇસમોનુ નામઠામ પુછતા 20 વર્ષીય સુનિલ કહારસિગ ડાવર અને 21 વર્ષીય મહેશ ઉર્ફે મડીયા વાલસિગ અખાડીયા જેઓ બંને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના હોવાનું સામે આવ્યું હતું. બંનેની ધરપકડ બાદ પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે તેની ગેંગના સભ્યોના નામ તેમજ ચોરીની બાઇકો તથા એક બોલેરો જીપ ક્યાં સંતાડીને મૂકી તેની માહિતી આપી હતી. જેના આધારે પોલીસે મધ્યપ્રદેશના વિવિધ ગામોમાંથી ચોરીની 11 બાઇક તેમજ ચોરી કરેલ બોલેરો જીપ પણ કબ્જે કરી હતી તથા બાઇક ચોર ગેંગ સૂત્રધાર સુનિલ સહિત અન્ય 3 સભ્યોની પણ ધરપકડ કરી હતી જ્યારે અન્ય 6 જેટલા ગેંગના ફરાર સાગરીતોને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

આરોપીઓએ ગુજરાતના દાહોદ, કતવારા, ગોધરા એ-ડીવીઝન, અંકલેશ્વર તેમજ રાજસ્થાન રાજ્યના સજ્જનગઢ, કેલીઝરા-બાંસવાડા/નર્મદા કોલોની વડવાડ પોલીસ સ્ટેશન તથા મધ્યપ્રદેશ રાજ્યના ઝાબુઆ, સાદલપુર પોલીસ સ્ટેશન ધાર વગેરે વિસ્તારોમાંથી છેલ્લા કેટલાક સમયથી મોટર સાયકલો તથા એક બોલેરો ગાડીની ચોરી કરેલાની કબુલાત કરી હતી.

Next Story