ડાંગ : "ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન" અંતર્ગત આહવા ખાતે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ લગાવી દોડ

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા ખાતે ફીટ ઇન્ડિયા ફ્રીડમ રનમાં ભાગ લઈ આહવાના માર્ગો ઉપર દોડ લગાવી જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ ડાંગ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચાધિકારીઓ, અને પ્રજાજનો સાથે સ્વયંને અને તેમના પરિવારને ફીટ રાખવા સાથે, જન જનને આ માટે પ્રોત્સાહિત કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.
આહવા ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રનના કરાયેલા આયોજનમાં ભાગ લેતા જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા સહીત જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગ, નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ, પ્રાંત અધિકારી કાજલ ગામીત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત અને RCHO ડો. સંજય શાહ, તાલુકા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી, નહેરુ યુવા કેન્દ્રના સંયોજક અનુપ ઇન્ગોલે તથા યુવક મંડળોના સ્વયંસેવકો, ગામના યુવાનો, શાળા/કોલેજના યુવક/યુવતીઓ વિગેરેએ ઉપસ્થિત રહી આહવાના ગાંધી ઉદ્યાનથી શરૂ કરીને સનસેટ પોઈન્ટ સુધી દોડ લગાવી નગરજનોમાં ચેતના જગાવી હતી.
આ વેળા કલેક્ટર ભાવિન પંડ્યાએ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કરી યોગ, પ્રાણાયામ અને ખાનપાન ઉપર લક્ષ કેન્દ્રિત કરી સૌ કોઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી, ૧૮થી ૨૦ કલાક કામગીરી કરી શકવાની ક્ષમતા કેળવી શકે છે તેમ જણાવ્યુ હતું. યુવાનોને જંક ફૂડથી દુર રહીને વ્યયામને પોતાના દૈનિક જીવનધોરણમા સામેલ કરવાની અપીલ કરતા જિલ્લા કલેકટરે તેમના ધર્મપત્ની સાથે આહવાના મુખ્ય માર્ગ ઉપર દોડીને નગરજનોને પ્રેરણા પૂરી પાડી હતી.