Connect Gujarat
ગુજરાત

ડાંગ : ધરતીપુત્રો ખુશ, વરસાદરૂપી પ્રસાદ એવા પાક માટે સાર્વત્રિક વરસાદ સંજીવની પુરવાર થશે

ડાંગ : ધરતીપુત્રો ખુશ, વરસાદરૂપી પ્રસાદ એવા પાક માટે સાર્વત્રિક વરસાદ સંજીવની પુરવાર થશે
X

ડાંગ જિલ્લામા છેલ્લા બે ત્રણ દિવસોથી સાર્વત્રિક ખેતીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. જિલ્લા ફલડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના આહવા તાલુકામા ૨૧ મીમી (મોસમનો કુલ ૧૦૦૧ મીમી) વરસાદ નોંધાયો છે, જયારે વઘઈ તાલુકામા ૩૧ મીમી (કુલ ૯૩૮ મીમી), સુબીર તાલુકામા ૧૬ મીમી (કુલ ૫૬૯ મીમી), અને ગિરિમથક સાપુતારા ખાતે ૩૩ મીમી (કુલ ૧૦૮૦ મીમી) સાથે સરેરાશ ૨૫ મીમી વરસાદ નોંધાયો છે.

ડાંગ જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લા પંચાયત હસ્તકના ત્રણ જેટલા માર્ગો, કોઝ-વે ઉપર વરસાદી પાણી ફરી વળતા અવરોધાવા પામ્યા છે. જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર ગીતા પટેલ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર (૧) આહવા તાલુકાના બોરખલ-ગાયખાસ-ચવડવેલ માર્ગ ઉપર આવેલ કોઝ-વે સહીત, (૨) વઘઈ તાલુકાના સૂપદહાડ-સુર્યાબરડા રોડ ઉપરનો લો લેવલ કોઝ-વે અને, (૩) નાનાપાડા-કુમારબંધ રોડ ઉપરના કોઝ-વે ઉપર અંબિકા નદીના પાણી ફરી વળતા આ માર્ગો અવરોધાય છે.

વાહનચાલકો અને રાહદારીઓ, તથા પશુપાલકોને આ માર્ગોની જગ્યાએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે. 100 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં મોટા ભાગના શ્રમજીવીઓ વસવાટ કરે છે. ખેતી અને પશુપાલન અહીના લોકોની આજીવિકાનો મોટો સ્ત્રોત છે. જિલ્લામાં મુખ્યત્વે ગોરાડુ પ્રકારની જમીન આવેલી છે, જે અત્યંત ફળદ્રુપતા ધરાવે છે. ડાંગર, નાગલી, વરી, જુવાર, મકાઇ, તુવર, શાકભાજી, અને ફળઝાડના પાકો આ વિસ્તારના મુખ્ય પાકો છે.

આ વર્ષે ડાંગ જિલ્લાના કુલ ૫૬ હજાર ૪૭૦ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી ખરીફ સીઝન દરમિયાન કુલ ૫૫ હજાર ૫૭૨ હેકટરમા વાવેતર કરવામા આવ્યુ છે. જે પૈકી સૌથી વધુ ૨૭૮૬૪ હેકટરમાં ડાંગર, ૯૬૨૫ હેકટરમાં અડદ, ૩૭૬૩ હેકટરમાં મગફળી, ૩૫૦૨ હેકટરમાં તુવર, ૯૬૪ હેકટરમાં સોયાબીન, ૮૪૭ હેકટરમાં ખરસાણી, ૪૦૨ હેકટરમાં મકાઇ, ૪૯ હેક્ટરમા જુવાર, ૪૮ હેકટરમા ઘાસચારો, અને ૮૫૦૮ હેકટરમાં નાગલી અને વરી જેવા ધાન્ય પાક લેવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત જિલ્લામા વર્ષ દરમ્યાન ૧૨ હજાર ૨૫૧ હેક્ટરમાં બાગાયતી ખેતી કરવામા આવી છે. ડાંગ જિલ્લામાં ખરીફ ઋતુમા પાક બચાવવા પિયત તથા રવિ ઉનાળુ પાકોની પિયત કુવા, ચેકડેમ નદી-નાળા તથા બોર દ્વારા કરવામા આવે છે. જેમાં કુવાથી ૩૮૦૩ હેક્ટર, ચેકડેમ નદીનાળાથી ૯૦૮૧ હેક્ટર તથા અન્ય (ઉદ્ર્વહન સિંચાય દ્વારા) ૨૩૯૦ હેક્ટર મળી કુલ ૧૫૨૭૫ હેક્ટરમાં પિયત દ્વારા ખેતી કરવામાં આવે છે. જિલ્લામાં ૧ લાખ ૭૬ હજાર ૬૦૦ હેક્ટર જમીન વિસ્તાર પૈકી ૧૫ હજાર ૨૭૫ હેક્ટર પિયત વિસ્તાર, ૫૭ હજાર ૮૪૩ હેક્ટર ખેડાણલાયક જમીન વિસ્તાર, ૩ હજાર ૬૫૦ હેક્ટર પડતર વિસ્તાર, અને ૧ લાખ ૩ હજાર ૪૬૮ હેક્ટર જંગલ હેઠળનો વિસ્તાર આવેલો છે.

જિલ્લામાં ૧૭૨૧ સીમાંત ખેડૂતો, ૫૨૪૯ નાના ખેડૂતો, અને ૫૬૦૩ મોટા ખેડૂતો મળી કુલ ૧૨ હજાર ૫૭૩ ખેડૂત ખાતેદારો નોંધાયેલા છે. ડાંગ જિલ્લાના ખેડુતોએ રોટાવેટર, રીપર, પાવર ટીલર, મીની ટ્રેક્ટર, કલ્ટીવેટર જેવા યાંત્રીકરણના સાધનો જુદી જુદી સરકારી સહાય થી મેળવીને વસાવ્યા છે. જેના કારણે ખેતીને લગતા ખેતી કાર્યો સમયસર પૂર્ણ થવાથી, ખેડુતો વર્ષમા બેથી ત્રણ પાકો પણ કરતા થયા છે, એમ ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો. હર્ષદ ઠાકરેએ એક મુલાકાતમાં જણાવ્યુ છે.

તો વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા જિ.જિ.ચૌહાણે ખેડૂતો માટે આકાશમાથી વરસી રહેલો આ વરસાદ ઘી સમાન છે, તેમ જણાવી હજુ વધુ વરસાદની આવશ્યકતા વચ્ચે, હાલનો આ વરસાદ ખેડૂતોના પાકને ચોક્કસ જ નવજીવન આપશે તેમ જણાવ્યુ હતું. આમ, ખેતી અને પશુપાલન જેની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે તેવા ડાંગ જિલ્લાના ધરતીપુત્રો, અને પશુપાલકો આ વરસાદરૂપી પ્રસાદ ગ્રહણ કરીને ખુશી વ્યકત કરી રહ્યા છે. ધવલીદોડના બુઝુર્ગ ખેડૂત મગન બંગાળ, હનવતચોંડના પરિશ્રમી મહિલા ખેડૂત સાવિત્રી રાઉત તથા ચિંચલીના ધરતીપુત્ર બન્ડુ પવારે એકસૂરે કુદરતનો આભાર વ્યક્ત કરી, ખુશી જાહેર કરી હતી.

Next Story