/connect-gujarat/media/post_banners/a5167b1f2198ca2dd391c3d1fdec3f59ab3dbb68a10b3073afe4b12730cfd2dc.jpg)
ગીર સોમનાથ જિલ્લામાં અન્ય પાકની સાથે સાથે બાગાયત પાકનું વાવેતર પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી હવે નારિયેળીમાં સફેદ માખી નામના રોગે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
ગીર સોમનાથ બાગાયત વિભાગ તરફથી મળેલા આંકડા મુજબ જિલ્લાના વેરાવળમાં 6146, સુત્રાપાડામાં 418, તાલાલામાં 465 હેક્ટરમાં નારિયેળીનું વાવેતર જોવા મળે છે. પણ છેલ્લા અઢી વર્ષથી નારિયેળના વાવેતરમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેના કારણે નારિયેળના વાવેતરમાં ઉત્પાદન ઘટ્યું છે. નારિયેળના વાવેતરમાં સફેદ માખી નામના રોગના કારણે ખેડૂતોની પરેશાનીમાં વધારો થયો છે. જોકે, અત્યારે વરસાદ પડતા સફેદ માખીનો ઉપદ્રવ ઘટ્યો છે. પણ સંપૂર્ણ ગયો નથી. થોડા સમય પહેલાં આ રોગના કારણે નારિયેળીમાંથી ફાલ ખરી જતો હતો. અને સફેદ માખીના કારણે નારિયેળી ઝાડમાંથી પાન પણ ખરી જતા હતા.
સફેદ માખીના કારણે નારિયેળીના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. પહેલા જે ઝાડમાંથી વર્ષે 1000 જેટલા નારિયેળ નીકળતા હતા. તે અત્યારે વર્ષે માત્ર 250થી 300 જેટલા નારિયેળ થઈ રહ્યા છે. પણ આગામી દિવસોમાં તમામ એક સાથે નારિયેળીના પાક દવાનો છંટકાવ કરે તો સફેદ માખી નામનો રોગ સંપૂર્ણ જઈ શકે છે. ઉત્પાદન ઘટવાના કારણે અત્યારે નારિયેળીના બાગનો ઈજારો કોઈ વેપારી રાખવા તૈયાર નથી. નારિયેળીમાં સફેદ માખીના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે.
જોકે, ગીર સોમનાથ-તાલાલાના નાયબ બાગાયત અધિકારીએ જણાવ્યું હતું કે, નાળિયેરીમાં સફેદ માખીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. પણ હજુ ખેડૂતોએ સતર્ક રહેવાની જરૂર છે. સફેદ માખીના રોગથી નાળિયેરીને બચાવવા માટે ઝાડને 15થી 20 દિવસે પાણીથી વોશ કરવું જોઈએ. સફેદ માખીનો ઉપદ્રવ અટકાવવા માટે પ્રથમ તબક્કે જીવાતના નિયંત્રણ માટે માત્ર પાણી સાથે કોઈપણ ડિટર્જન્ટ પાઉડર ભેરવી જેટ ગનના પ્રેશરથી પાન તથા થડ ઉપર છંટકાવ કરવો જોઈએ. આ જીવાતનો ઉપદ્રવ અટકાવવા માટે સમૂહ નિયંત્રણના પગલાં લેવા જરૂરી છે.