Connect Gujarat
ગુજરાત

કચ્છ: ગાંધીધામની હોસ્પિટલમાં દર્દીને આધારકાર્ડની જરૂર પડતા મામલતદાર કીટ લઈને પહોંચ્યા

અંજાર મામલતદારે ગુડ ગવર્નન્સનો દાખલો બેસાડ્યો હતો અને અંજારના વ્યક્તિને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક આધારકાર્ડની જરૂરત ઉભી થતા

કચ્છ: ગાંધીધામની હોસ્પિટલમાં દર્દીને આધારકાર્ડની જરૂર પડતા મામલતદાર કીટ લઈને પહોંચ્યા
X

કચ્છાના અંજાર મામલતદારે ગુડ ગવર્નન્સનો દાખલો બેસાડ્યો હતો અને અંજારના વ્યક્તિને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક આધારકાર્ડની જરૂરત ઉભી થતા મામલતદાર કીટ સાથે રજાના દિવસે હોસ્પિટલ પહોંચી જઇ તાત્કાલિક આધારકાર્ડ બનાવી દેતા દર્દીની સારવાર શરૂ થઈ શકી હતી.

મળતી માહિતી મુજબ, અંજારમાં રહેતા એક દર્દીને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગંભીર સ્થિતિના કારણે આઈ.સી.યુ. દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં માં કાર્ડમાં અને આધારકાર્ડમાં નામમાં ભૂલ હોવાથી સરકારી સહાયથી ઈલાજ શક્ય થઈ શકે તેમ ન હતો. જેથી દર્દીનો આધારકાર્ડમાં તાત્કાલિક સુધારો કરવાની જરૂરત ઉભી થતા અંજાર મામલતદાર એ.બી. મંડોરીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેથી ચોથા શનિવારે રજાનો દિવસ હોવા છતાં દર્દીની ગંભીર સ્થિતિ જોતા સહેજે વિચાર કર્યા વગર કીટ લઈ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.

તાત્કાલિક કાર્યવાહી કરી દર્દીના આધારકાર્ડમાં સુધારો કરવામાં આવ્યો હોવાથી માં કાર્ડની યોજના અંતર્ગત ગરીબ દર્દીની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. અંજાર મામલતદાર દ્વારા માનવતા દાખવી અને ગુડ ગવર્નન્સનો દાખલો બેસાડતા હજુ પણ સરકારી તંત્ર લોકોના પડખે ઉભું છે તેવો અહેસાસ કરાવવામાં આવતા દર્દીના પરિજનોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

જોકે ઉલ્લેખનીય છે કે, અંજાર મામલતદાર દ્વારા આ પહેલી ઘટનામાં ગુડ ગવર્નન્સનો દાખલો બેસાડવામાં આવ્યો હોય તેવું નથી આ અગાઉ પણ ગાંધી જયંતીના દિવસે રજાનો દિવસ હોવા છતાં એક બાળકને તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવાનું હોવાથી અને રાશનકાર્ડમાં નામ ચડાવવાનું બાકી રહી ગયું હોવાથી અંજાર મામલતદારને બાળકના વાલી દ્વારા વિનંતી કરવામાં આવતા મામલતદારે રાત્રે 9 વાગ્યે કચેરી ખોલી બાળકનું નામ રેશનકાર્ડમાં ચડાવી માનવતા દર્શાવી હતી.

Next Story