કૌભાંડનું "લિસ્ટ" : પૂર્વ IAS કે. રાજેશ સામે ભાજપના દિગ્ગજ નેતાના ગંભીર આરોપ, PMને લખ્યો પત્ર

ગુજરાતમાં કૌભાંડી આઈએએસ અધિકારી કે. રાજેશના કાંડ એક બાદ એક ખૂલી રહ્યા છે, અને તપાસ આગળ વધી રહી છે, ત્યારે સમગ્ર કેસમાં અનેક બીજા કૌભાંડો પણ બહાર આવે તેવી શક્યતા છે. જેમાં રાજ્યના દિગ્ગજ નેતા સોમા પટેલે મોટો ધડાકો કરતાં કૌભાંડનું એક આખું લિસ્ટ બહાર પાડ્યું છે. સમગ્ર મામલે PM મોદી સમક્ષ આ કેસમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પૂર્વ સાંસદ સોમા પટેલે પૂર્વ આઈએએસ અધિકારી કે. રાજેશ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે, રિવોલ્વરના લાયસન્સ આપવામાં મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે. આ સિવાય બિનખેડૂત પણ ખેડૂત બનાવી દેવામાં આવ્યા છે. આ સિવાય 70થી 80 દૂધ મંડળીને પૈસા લઈને જમીન આપી છે. આમ આઈએએસ અધિકારીએ મોટું કૌભાંડ આચર્યું છે, ત્યારે ભાજપના દિગ્ગજ નેતા સોમા પટેલે ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, ખાંડીયા ફોરેસ્ટની 900 વીઘા જમીન માત્ર એક રૂપિયાના ટોકન 30 વર્ષના પટ્ટે આપી દેવામાં આવી હતી. આ સિવાય પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં 7 કરોડથી વધારે ખર્ચો બતાવ્યો હતો. જોકે, કોઈ પણ PMના કાર્યક્રમમાં દોઢ કરોડથી વધારે ખર્ચ તો થાય જ નહીં, જયારે તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીએ કહ્યું કે, વાઉચર ક્યાં ગયા તે તેમને ખબર જ ન હતી. આ સિવાય CMના કાર્યક્રમમાં પણ 1.19 કરોડનો ખોટો ખર્ચ કર્યો હતો. આમ નેતાઓના કાર્યક્રમમાં કરોડોનો ખર્ચ બતાવી મોટું કૌભાંડ કર્યું છે. જેમાં છેલ્લા 10 મહિનાથી અરજી કરી હતી તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં PM મોદી અને અમિત શાહને અરજી મોકલી હતી. CBIમાં પણ કોપી મોકલી હતી, જે 141 અરજી કરી હતી, તેની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત પોતાના વિશ્વાસ સાથે હવે આ કૌભાંડીને જેલ કરવામાં આવશે, અને જે પણ દોષિત હોય તેની સામે કડક પગલાં લેવામાં આવે તેવી પૂર્વ સાંસદ સોમા પટેલે પત્રમાં રજૂઆત કરી છે.