સાબરકાંઠા જિલ્લાના ઇડરના ગોધમજી ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી લોકોને રોગમુક્ત બનાવાનો પ્રયાસ હાથ ધર્યો છે
સાબરકાંઠા જિલ્લાના ઇડરના ગોધમજી ગામના શિક્ષક હરેશ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે. હરેશ તેમના ખેડૂત મજૂર બાબુની મદદથી આ ખેતી અને 11 ગીર ગાયોનું પાલન કરે છે.હરેશે જણાવ્યું હતું કે, 2019 પહેલા રાસાયણીક ખેતી કરતા હતા. જેમાં ઉત્પાદન મળતું પરંતુ તેની સામે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો તેમજ હાઈબ્રીડ બિયારણોનો ખર્ચો ખૂબ જ વધી જતો હતો. જેના કારણે નફો બિલકુલ ઓછો મળતો હતો. રાસાયણિક ખેતીમાં બટાકા, ઘઉં, મરચા, મગફળી, કપાસ વગેરેની ખેતી કરતા હતા.અમદાવાદમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અંગેની રાજ્યવ્યાપી પાંચ દિવસની શિબિરમાં હું અને મારા ખેતરમાં કામ કરતો બાબુ બંનેએ પાંચ દિવસ તાલીમ લીધી હતી અને ત્યાર બાદ પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવ્યો હતો અને અમે નક્કી કર્યું હવે પછી અમારે રાસાયણિક ખેતી કરી જમીનને બગાડવી નથી.હાલમાં એકથી દોઢ વિઘામાં ખેતીમાં સરગવો, રીંગણ, વટાણા, મૂળા, બીટ, પાલક, ડુંગરી, લસણ, દૂધી, દેશી મકાઇ, ધાણા, સવાની ભાજી, મેથી અને વિદેશી શાક બ્રોકલી, લાલ કોબીજ, મોગરી, શીમલા મરચા, ઝૂકીની, નોલખોલ વાવેતર કર્યું છે. આ શાક કીલોના રૂ.40 થી રૂ.60ના ભાવે અને ગીર ગાયોના દૂધનું વેચાણ કરી વધારાની આવક મેળવવામાં આવી રહી છે