સુરેન્દ્રનગર : પાટડીમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા, ડેન્ગ્યૂથી એક મહિલાનું મોત

પેટા- પાટડીમાં મચ્છરનો ઉપદ્રવ વધતા ઘેર-ઘેર માંદગીના ખાટલા

New Update

રોગચાળા માટે હાઇરીસ્ક ઝોનમાં સમાવાયેલા પાટડીમાં તાવ અને શંકાસ્પદ ચિકનગુનિયા સહિતના રોગચાળાએ માઝા મુકતા ઘેર-ઘેર માંદગીના ખાટલા છે. પાટડીમાં 50થી વધુ તાવ અને શંકાસ્પદ ચિકનગુનિયાના કેસોથી હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓ ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે. પાટડી વાસોરીયાવાસમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી મહિલાનું મોત થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

આરોગ્ય વિભાગ દ્વારા પાટડીને તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળા માટે હાઇ રીસ્ક ઝોનમાં સમાવેશ કરેલો છે. એવામાં પાટડીમાં છેલ્લા એક મહિનામાં વરસાદ બાદ ગંદા પાણીના ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા તાવ અને શંકાસ્પદ ચિકનગુનિયા સહિત પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. જેમાં સરકારી હોસ્પિટલ સહિત પ્રાઇવેટ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે. અને પાટડીના ઝુંપડપટ્ટી અને નીંચાણવાળા વિસ્તારમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા છે.

પાટડી સરકારી હોસ્પિટલમાં પાછલા કેટલાક દિવસોથી ઓપીડી કેસની સંખ્યા બમણી થવા પામી છે. પાટડીમાં તાવ અને શંકાસ્પદ ચિકનગુનિયાના 50થી વધુ કેસોથી નગરજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. જેમાં લોકોના હાથ-પગ જકડાઇ જવાની સાથે લોકો તાવના લીધે પથારીમાંથી ઉભા પણ થઇ શકતા નથી. જેમાં પાટડી વાસોરીયાવાસમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી સબાનાબેન ફકીરમોહંમદ સૈયદ નામની 33 વર્ષની મહિલાનું મોત થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આથી આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર પાટડી નગરમાં ઘેર-ઘેર સર્વે અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાય એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.

Latest Stories