સુરેન્દ્રનગર :ખારાઘોડા રણમાં 44 ડીગ્રી તાપમાનમાં મીઠું પકવવાની સીઝન પુરજોશમાં

New Update

સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય બફારા વચ્ચે ગરમીનો પારો 44 ડીગ્રીએ પહોંચતા લોકોની હાલત અત્યંત દયનીય બનવા પામી હતી ખરા બપોરે ધોમધખતા તાપમાં પાટડીની મુખ્ય બજારોમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે. લોકો બપોરના સમયે બહાર નિકળવાના બદલે ઘેર એસી કે કુલરમાં આરામ કરવાનું વધુ પસંદ કરે છે. કાયમ ટ્રાફિકથી ધમધમતા પાટડીના તમામ હાઇવે હાલમાં આગ ઓકતી ગરમીમાં સુમસાન જોવા મળી રહ્યા છે.

હાલમાં રણમાંથી જેસીબી અને ડમ્પરો દ્વારા મીઠું ખેંચવાની સીઝન પુરબહારમાં ચાલી રહી છે. અને રણમાં અને ખારાઘોઢામાં અગરિયાઓ અને મીઠા મજૂરોનો મેળાવડો જામ્યો છે. ત્યારે અસહ્ય બફારા વચ્ચે રણમાં ગરમીનો પારો 44 ડીગ્રી વટાવી જતા અને બીજી બાજુ રણમાં ક્યાંય છાંયડાનું નામોનિશાન ન હોવાથી અગરિયાઓ અને એમાય ખાસ કરીને અગરિયા મહિલાઓ અને ભુલકાઓ અસહ્ય બફારામાં અકળાઇ ઉઠ્યા હતા.અગાઉ મજૂર કામદારો દ્વારા રણમાં ટ્રકોમાં પાવડા અને બખડીયા દ્વારા મીઠું ભરવામાં આવતુ અને ખારાઘોઢા ગંજે ટ્રકોના પાટીયા ખોલી લાંબા પાવડા વડે મીઠું ખાલી કરાતુ અને ત્યાર બાદ મજૂરો દ્વારા બખડીયામાં મીઠું ઉપાડી ગંજા પર ચઢાવી ગંજો બનાવવામાં આવતો હતો. પરંતુ હવે યાંત્રીક યુગ આવતા આ તમામ મીઠા કામદારોની જગ્યા જેસીબી, બુલડોઝર અને ડમ્ફરો જેવા સાધનોએ લઇ લેતા સમયની સાથે સાથે યાંત્રીક યુગ આવતા મીઠા કામદારો બેકાર બનવા પામ્યાં છે.હાલમાં રણમાંથી ટ્રકો, ડમ્ફરો અને જેસીબી સહિતના સાધનો વડે મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલુ થઇ છે. અને આ સીઝન આગામી અઢીથી ત્રણ માસ સુધી ચાલવાની છે. તો આ વર્ષે રણમાંથી ખારાઘોઢા ગંજે અંદાજે 13 લાખ મેટ્રીક ટન મીઠું આવવાનો અંદાજ મીઠાના વેપારીઓ લગાવી રહ્યાં છે.

Latest Stories