હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે-ત્રણ દિવસ દરમિયાન વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પગલે તમામ સંબંધિત વિભાગોને તકેદારી અને સાવચેતીના જરૂરી પગલાં લઈ સાવધ/એલર્ટ રહેવા કલેકટર આર. બી. બારડે સૂચન કર્યું છે.
જિલ્લા કલેકટર આર. બી. બારડે વડોદરા જિલ્લાના તમામ અધિકારીઓને મુખ્યમથક પર હાજર રહી તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમના નંબર ચાલુ રહે તે જોવા સૂચનાઓ આપી છે. કન્ટ્રોલ રૂમ પર જે તે ફરજ પરના કર્મચારીઓ હાજર રહે તે સુનિશ્ચિત કરી લેવા સહિત કંટ્રોલ રૂમ પરથી તલાટી મારફત ગ્રામ્ય કક્ષા સુધી મેસેજ પહોંચાડી લોકોને ગાજવીજ થાય તે સમયે પોતાના ઘરમાં જ રહેવા સજાગ કરવા અને ગાજવીજ દરમિયાન વૃક્ષ નીચે કે ઇલેક્ટ્રિક વાયરો/થાંભલા પાસે ન ઉભા રહેવા જેવી માહિતી પહોંચાડી જેથી જાન હાનિ થતી અટકાવી શકાય.
આ ઉપરાંત વધુ વરસાદ અને વાવાઝોડાની શક્યતા હોઈ તમામ અધિકારીઓ એલર્ટ રહે, હેડકવાર્ટર પર રહે, જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહી કોઈ પણ બનાવના સંજોગોમાં તાત્કાલિક બચાવ રાહતના પગલાં લેવા સૂચના આપી છે. જિલ્લામાં કોઇ પણ નુકસાન થાય તો તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવા પણ જણાવ્યું છે.