Connect Gujarat
ગુજરાત

વલસાડ : નાણાં મંત્રી કનુ દેસાઇના હસ્તે કવાલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું...

રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇ અને રાજ્ય મંત્રી જીતુ ચૌધરીના હસ્તે ફેબ્રુઆરી માસમાં આ ભવન નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું.

વલસાડ : નાણાં મંત્રી કનુ દેસાઇના હસ્તે કવાલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું...
X

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કવાલ ગામમાં રૂ. ૧૪ લાખના ખર્ચે નિર્માણ કરાયેલા ગ્રામ પંચાયત ભવનનું નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇ અને રાજ્ય મંત્રી જીતુ ચૌધરીના હસ્તે ફેબ્રુઆરી માસમાં આ ભવન નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ગ્રામવાસીઓને અભિનંદન પાઠવતા મંત્રીએ જણાવ્યું હતુ કે, પહેલા ખાતમુહૂર્ત કર્યાના ૧ કે ૨ વર્ષ બાદ પણ કામો પુરા થતા નહોતા પરંતુ હવે વિકાસના કોઈ પણ કામ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. આ ગ્રામ પંચાયત ભવન ગામના દરેક લોકોને ખૂબ જ ઉપયોગી થશે. ગામની મહિલાઓ ડેરી સંચાલન કરીને રોજગારી મેળવી રહી છે તેમના સહયોગથી ગામ સારી પ્રગતિ કરવા સક્ષમ બનશે. આદિજાતિ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં એક લાખ કરોડની ફાળવણી કરી છે, જેના થકી ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વિકાસના કામો થયા છે. રાજ્યમાં હવે વિકાસની ગાડી ખૂબ જ સ્પીડમાં ચાલે છે એમ જણાવતા મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ કહ્યું હતું કે, આ ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત અમે જ ફેબ્રુઆરી મહિનામાં કર્યું છે અને હવે આ ભવન માત્ર ૪ મહિના અને ૧૩ દિવસમાં બની ને તૈયાર થયું છે. આવી ઝડપી અને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ હું સરપંચ અને ગામના લોકોને અભિનંદન આપું છું. ગામના સરપંચ મનોજ પટેલે આ પ્રસંગે સહભાગી થવા બદલ બન્ને મંત્રીઓનો તેમજ રાજ્ય સરકારનો ઝડપી કામગીરી કરીને પંચાયત ભવન નિર્માણ કરી આપવા માટે આભાર માન્યો હતો.

Next Story