ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના કુંડૌરા નામના ગામમાં હોળી-ધૂળેટીના પર્વે માત્ર મહિલાઓ જ રંગોનો આ પર્વ માનવતી હોવાની રસપ્રદ વાત સામે આવી છે.
હમીરપુર જિલ્લામાં કુંડૌરા ગામની વસ્તી માંડ 5 હજાર જેટલી છે. પરંતુ રસપ્રદ વાત તો એ છે કે, આ ગામમાં હોળી-ધૂળેટી પર્વે પુરુષો માટે હોળી રમવા પર પ્રતિબંધ છે. અહી માત્ર મહિલાઓની ટોળીઓ જ હોળી રમી શકે છે. કુંડૌરા ગામે છેલ્લા 5 સૈકાથી આ પરંપરા ચાલી આવે છે. યુવતીઓ અને તમામ ઉંમરની મહિલાઓ વહેલી સવારથી જ ઢોલ-નગારાં સાથે બહાર નીકળે છે. મહિલાઓ ઘરે ઘરે જઇને ફાગ ગાય છે. જોકે, આ સાથે જ ધૂળેટીના દિવસે સ્ત્રીઓ તમામ પ્રકારની સ્વતંત્રતાનો આનંદ માણે છે.
આખું વર્ષ ગામના વડીલોની સામે ઘૂમટા તાણીને ફરતી સ્ત્રીઓ પુરુષોને ઘરમાં પૂરીને હોળીની મજા માણે છે. જો ધૂળેટીના દિવસે ગામનો કોઈ પુરુષ ભૂલથી પણ મહિલાઓની વચ્ચે પહોંચી જાય, તો તેની ધોલાઈ પણ થઈ શકે છે. આ સાથે જ પુરુષોને ઘાઘરા-ચોળી પહેરાવીને આખા ગામમાં ફેરવવામાં આવે છે. જેથી કહી શકાય કે, કુંડૌરા ગામે હોળી-ધૂળેટીનો માત્ર મહિલાઓ માટે જ છે.