દેશ અને દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીની ઝેડ પ્લસ સુરક્ષા યથાવત્ રહેશે. સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યું છે કે, મુકેશ અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવી રહેલી સુરક્ષા ચાલુ રાખવામાં આવે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સુરક્ષાનો સંપૂર્ણ ખર્ચ મુકેશ અંબાણી પોતે ઉઠાવે છે.
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે, પરંતુ વિકાસ સાહા નામના વ્યક્તિએ ત્રિપુરા હાઈકોર્ટમાં અંબાણીની ઝેડ પ્લસ સુરક્ષા સામે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ કૃષ્ણ મુરારી અને હીમા કોહલીની સુપ્રીમ કોર્ટની બેન્ચે તાજેતરમાં જ આ પીઆઈએલ ફગાવી દીધી અને સુરક્ષા ચાલુ રાખવાનો કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. મુકેશ અંબાણી દેશના એવા કેટલાક લોકોમાંના એક છે જેમને ઝેડ પ્લસ સુરક્ષા મળી છે.
એક અંદાજ મુજબ અંબાણીની ઝેડ પ્લસ સિક્યુરિટીનો દર મહિને 15થી 20 લાખનો ખર્ચ થાય છે. મુકેશ અંબાણી આ ઝેડ પ્લસ સિક્યોરિટીનો સંપૂર્ણ ખર્ચ જાતે ઉઠાવે છે, જ્યારે મોટાભાગના કિસ્સાઓમાં આ ખર્ચ સરકારે ઉઠાવવો પડે છે. આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનની ધમકીઓ મળ્યા બાદ વર્ષ 2013માં યુપીએ સરકાર દ્વારા અંબાણીને ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ જોખમમાં છે કે, નહીં તે સુરક્ષા એજન્સીઓના ઇનપુટ્સના આધારે જ નક્કી કરી શકાય છે.
બેન્ચે કહ્યું કે, અંબાણી દેશના જાણીતા ઉદ્યોગપતિ છે, અને તેમની સુરક્ષા જોખમમાં હોઈ શકે છે. આમાં અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી. જો કોઈ વ્યક્તિ તેની સુરક્ષાનો ખર્ચ ઉઠાવવા તૈયાર હોય તો તેને સુરક્ષા મળવી જ જોઈએ. એટલું જ નહીં, કોર્ટે પોતાના નિર્ણયમાં અંબાણીના ઘરની બહાર તાજેતરમાં મુકેલા બોમ્બ અને તેમને મળી રહેલી ધમકીઓનો પણ ઉલ્લેખ કર્યો છે.