ચૂંટણી પંચે સોમવારે રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઉપલા ગૃહ માટે 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે સાંજે અથવા રાત્રે પરિણામ પણ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણી આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને હરિયાણા માટે યોજાશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજ્યસભા માટે નામાંકન પ્રક્રિયા 3 ડિસેમ્બરથી શરૂ થશે. 10 ડિસેમ્બર સુધી નામાંકન કરી શકાશે. 11મી ડિસેમ્બરે નામાંકનની ચકાસણી કરવામાં આવશે. 13 ડિસેમ્બર સુધી નામાંકન પરત ખેંચી શકાશે. 20 ડિસેમ્બરે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.
આંધ્રપ્રદેશમાં સૌથી વધુ બેઠકો ખાલી છે. અહીં ત્રણ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જગન મોહન રેડ્ડીની YSRCPના ત્રણ સાંસદો, વેંકટરામન રાવ મોપીદેવી, બીધા મસ્તાન રાવ યાદવ અને રાયગા કૃષ્ણૈયાએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે નવા સભ્યો માટે ચૂંટણી યોજાશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્ર બાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) આ ત્રણેય બેઠકો સરળતાથી જીતી શકે છે.