શિવસેનાના સાંસદ સંજય રાઉતની લગભગ 9 કલાકની પૂછપરછ બાદ EDએ તેમની અટકાયત કરી છે. તેમના ભાંડુપના બંગલા મૈત્રી પર સવારે સાડા સાત વાગ્યાથી EDની કાર્યવાહી ચાલી રહી છે.10 અધિકારીની એક ટીમે રાઉત અને તેમના ધારાસભ્ય ભાઈ સુનીલ રાઉતના રૂમની તલાશી લીધી. ટીમે તેમની અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી. તો એક ટીમે તેમના દાદરવાળા ફ્લેટને સીલ કરી દીધો છે. આરોપ છે કે સંજય રાઉતે આ ફ્લેટ જમી કૌભાંડના પૈસાથી ખરીદ્યો છે.
રાઉત ઉપરાંત તેમના નજીકના ગણાતા બે લોકોના ઘરે પણ ટીમ પહોંચી છે.રાઉત સામે આ કાર્યવાહી મહારાષ્ટ્રના રૂપિયા 1034 કરોડના પાત્રા ચૉલ જમીન કૌભાંડ કેસમાં થઈ છે.સંજય રાઉતના ઘર ખાતે EDના દરોડા અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું-જો રાઉતે કોઈ ભૂલ કરી નથી તો શા માટે ડરે છે? તેઓ MVAના મોટા કદના નેતા હતા. ED અગાઉ પણ તપાસ કરી ચુકી છે. જો ED કેન્દ્ર સરકારથા ડરથી કામ કરે છે તો સુપ્રીમ કોર્ટે આ અંગે કાર્યવાહી કરવી જોઈએ.
આ મામલો મુંબઈના ગોરેગાંવ વિસ્તારના પાત્રા ચાલી સાથે સંબંધિત છે. તે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો પ્લોટ છે. લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.