Connect Gujarat
Featured

ઈશા અંબાણી, આકાશ અંબાણી, બૈજુ રવિન્દ્રન અને અદર પૂનાવાલાનો ફોર્ચ્યુન્સ '40 અંડર 40'ની યાદીમાં સમાવેશ

ઈશા અંબાણી, આકાશ અંબાણી, બૈજુ રવિન્દ્રન અને અદર પૂનાવાલાનો ફોર્ચ્યુન્સ 40 અંડર 40ની યાદીમાં સમાવેશ
X

40 વર્ષથી નીચેની ઉંમરના પ્રતિભાશાળી લોકોની ફોર્ચ્યુન દ્વારા તૈયાર કરાયેલી વાર્ષિક યાદીમાં રિલાયન્સ જિયો બોર્ડના ડિરેક્ટર્સ ઈશા અંબાણી અને આકાશ અંબાણી, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદર પૂનાવાલા અને ભારતની અગ્રણી એજ્યુકેશન ટેક્નોલોજી કંપનીના સહસ્થાપક બૈજુ રવિન્દ્રનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં ફાઇનાન્સ, ટેક્નોલોજી, હેલ્થકેર, ગવર્મેન્ટ અને પોલિટિક્સ એમ પાંચ કેટેગરીમાં 40-40 લોકોની યાદી ધ 2020 ફોર્ચ્યુન 40 અંડર 40 તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ યાદીમાં રિલાયન્સના અધ્યક્ષ ભારતીય અબજોપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના 28 વર્ષીય જોડિયા સંતાનોનો સમાવેશ થાય છે. ફોર્ચ્યુને જણાવ્યું હતું કે, "તેમનું એવું કહેવું છે કે ડેટા એ નવું ઓઇલ છે- અને જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત આવે છે ત્યારે ભારતની સૌથી મોટી કંપની માટે આ વાત એકદમ સાચી છે. 47 વર્ષ જૂનું આ ઔદ્યોગિક સામ્રાજ્ય વર્ષ 2016માં ઓછા દરની વાયરલેસ સેવાઓ પૂરી પાડતાં જિયોના પદાર્પણ સાથે ભારતના મોબાઇલ કનેક્ટિવિટી માર્કેટનું અગ્રણી બન્યું હતું અને એ પહેલા પેટ્રોકેમિકલ્સમાં અભૂતપૂર્વ સફળતા મેળવી ચૂક્યું છે. ફોર્ચ્યુને એમ પણ ઉમેર્યું હતું કે, બ્રાઉન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સની ડિગ્રી મેળવ્યા બાદ આકાશ વર્ષ 2014માં કંપનીમાં જોડાયા હતા અને યેલ, સ્ટેનફર્ડ અને મેકકિન્ઝીમાંથી તાલીમ મેળવ્યા બાદ ઈશા એક વર્ષ બાદ જોડાયા હતા."

ફોર્ચ્યુન દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, "જિયો બોર્ડના મેમ્બર તરીકે ફેસબૂક સાથે 9.99 ટકા હિસ્સ માટે 5.7 બિલિયન ડોલરની મેગાડીલ ઉપરાંત ગૂગલ, ક્વાલકોમ અને ઇન્ટેલ જેવી વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓના મૂડીરોકાણ મેળવવામાં બંને ડિરેક્ટર્સે ચાવીરૂપ ભૂમિકા નિભાવી હતી. મૂડીરોકાણની આ સરવાણી વહેતાં વેપારનું પ્રાઇવેટ વેલ્યૂએશન 65 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું." આ અમેરિકન પ્રકાશને એમ પણ નોંધ્યું હતું કે, "તેમના 25 વર્ષીય ભાઈ અનંત સાથે તેઓ પોતાના પિતાનું સામ્રાજ્ય સંભાળવા માટે તાલીમ લઈ રહ્યા છે. હવે તેમનું નવું મેદાન ઇ-કોમર્સ છે. તાજેતરમાં જ આકાશ અને ઈશાએ જિયો માર્ટ લોન્ચ કરવામાં પણ ચાવીરૂપ ભૂમિકા નિભાવી હતી. આ સાહસ એમેઝોન અને વોલમાર્ટના ફ્લિટકાર્ટને પડકાર ફેંકીને ભારતના વિશાળ તથા સૌથી તેજ ગતિએ વિકસતા ઓનલાઇન શોપિંગ બજારને સર કરવા તૈયાર છે."

આ યાદીમાં ભારતની સૌથી મોટી એજ્યુકેશન ટેક્નોલોજી કંપની બૈજુના સીઇઓ 39 વર્ષીય રવિન્દ્રનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. "રવિન્દ્રને સમગ્ર વિશ્વને એ સાબિત કરી બતાવ્યું છે કે અતિશય સફળ ઓનલાઇન એજ્યુકેશન કંપની સ્થાપી શકાય છે," તેમ જણાવી ફોર્ચ્યુને ઉમેર્યું હતું કે, તેમની કંપની લાખો વિદ્યાર્થીઓને તેમની જિંદગીની સૌથી અગત્યની પરીક્ષાની તૈયારી કરાવે છે અને સાથે સાથે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનો અભ્યાસ પણ કરાવે છે."

ફોર્ચ્યુને જણાવ્યું છે કે, "વર્ષ 2011માં કંપનીની સ્થાપના થઈ ત્યારથી રેડ-હોટ એજ્યુકેશન સ્ટાર્ટઅપ દ્વારા એક બિલિયન અમેરિકી ડોલરનું રોકાણ ઊભું કરવામાં આવ્યું છે અને અત્યારે તેની વેલ્યૂ 10 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. રવિન્દ્રનને એ રોકાણની જરૂર પડશે કારણ કે તે બૈજુનો અમેરિકા અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોમાં વિસ્તાર કરવા ઇચ્છે છે." ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ મહિનામાં બૈજુએ એજ્યુકેશન ટેક્નોલોજી સ્ટાર્ટઅપ વ્હાઇટહેટ જુનિયર 300 મિલિયન અમેરિકી ડોલરમાં ખરીદ્યું હતું.

જ્યારે પૂનાવાલા અંગે ફોર્ચ્યુને કહ્યું હતું કે, "પૂનાવાલાની સરખામણીએ આ દુનિયામાં બહુ ઓછા લોકોની માગ છે." પૂનાવાલા જે કંપનીના સીઇઓ છે એ પારિવારિક માલિકીની કંપની છે અને તે વિશ્વની સૌથી મોટી વેક્સિન બનાવનારી કંપની છે. એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, વૈશ્વિક જાહેર સ્વાસ્થ્યની સંભાળ લેવામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)એ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. સામાન્ય વર્ષોમાં પણ આ કંપની યુનિસેફ અને ગાવી જેવી સંસ્થાઓ દ્વારા ઓછી અથવા મધ્યમ આવક ધરાવતાં દેશોમાં હાથ ધરવામાં આવતાં રસીકરણના કાર્યક્રમોમાં 1.5 બિલિયન વેક્સિન ડોઝ ઉપલબ્ધ કરાવે છે.

"આ વર્ષે ખાસ કરીને પરિસ્થિતિઓ સામાન્ય કરતાં વધારે વણસેલી છે ત્યારે કોવિડ-19ની વેક્સિન તૈયાર કરવાની સ્પર્ધા તેની ચરમસીમાએ છે. તેવામાં SII પોતાની વિશાળ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા સાથે ફાર્મા કંપનીઓ માટે પસંદગીનું સ્વાભાવિક સ્થળ બની છે." SIIએ અસ્ટ્રાઝેનેકા અને નોવાવેક્સ સાથે બંને વેક્સિનના એક બિલિયન ડોઝ તૈયાર કરવાની સમજૂતી કરી છે. નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં આ વેક્સિનની કિંમત એક ડોઝના ત્રણ ડોલર જેટલી રહેશે. આ ફાર્મા કંપનીએ ચેકોસ્લોવેકિયા અને નેધરલેન્ડ્સમાં ઉત્પાદન કરતી કંપનીઓ હસ્તગત કરીને તેની ભૌગોલિક પહોંચ પણ વિસ્તારી છે અને કોવિડ-19 માટે પોતાની વેક્સિન પણ તૈયાર કરી રહી છે, તેમ પણ ફોર્ચ્યુને જણાવ્યું હતું.

આ યાદીમાં સોફ્ટ બેંક ગ્રૂપ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ અક્ષય નાહેટા (39), હેડ ઓફ ડિજિટલ એસેટ્સ એન્ડ ડિસ્ટ્રિબ્યૂટેડ લેજર ટેક્નોલોજી (DLT) એટ TD એમેરીટ્રેડ સુનયના તુટેજા, શાઓમીના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ અને શાઓમી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનુ કુમાર જૈન (39), મેવરિક વેન્ચર્સના મેનેજિંગ ડિરેક્ટર અંબર ભટ્ટાચાર્ય (37), ફાર્મઇઝીના સહસ્થાપક ધવલ શાહ અને ધર્મિલ શેઠ (31) અને ACLUના ચીફ પ્રોડક્ટ અને ડિજિટલ ઓફિસર દીપા સુબ્રમણિયમ (39)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

શાઓમીના જૈન વિશે ફોર્ચ્યુને નોંધ્યું છે કે, જ્યારે વર્ષ 2014માં ચાઇનીઝ જાયન્ટ દ્વારા જૈનને ભારતમાં કંપનીનું ઓપરેશન તળિયાના લેવલથી શરૂ કરવા માટે લેવામાં આવ્યા હતા ત્યારે તેમને સ્માર્ટફોન વિશે કશી જ ખબર નહોતી. જૈન દ્વારા ફેશન ઇ-કોમર્સ પ્લેટફોર્મ જેબોંગની સ્થાપના કરવામાં આવી હતી જે ફ્લિપકાર્ટને વેચી દેવામાં આવ્યું હતું. ફોર્ચ્યુને એમ પણ નોંધ્યું હતું કે, "પોતાના નવા સાહસના પ્રારંભે નોલેજ મેળવવા માટે આ એક્ઝિક્યુટિવ પોતાની બેગમાં 30થી 40 સ્માર્ટફોન રાખતા હતા અને તમામ ફોનના અલગ અલગ ફીચરનો ઉપયોગ કરતાં અને સ્પર્ધકોના ફોનનો અભ્યાસ કરતા હતા." આ નોંધમાં એમ પણ ઉમેરવામાં આવ્યું હતું કે, જૈનના નેતૃત્વમાં શાઓમી વિશાળકાય કોરિયન કંપની સેમસંગને પાછળ છોડી માત્ર ત્રણ જ વર્ષમાં ભારતની સૌથી મોટી સ્માર્ટફોન કંપની બની હતી, ભારતીય કંપનીની જેમ વર્તવાની રણનીતિ તેની સફળતા પાછળનું મુખ્ય કારણ હતી.

Next Story