વાહનો એકબીજા અથડાઇ ત્યારે અકસ્માતની પોલીસ ફરિયાદ નોંધાતી હોય છે પણ નવસારીમાં એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના બિસ્માર રસ્તા પરથી પસાર થતી વેળા પડી જવાથી યુવાનને ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ શહેરના જાગૃત નાગરિકે નગરપાલિકાના સત્તાધીશો અને મુખ્ય અધિકારી સામે ફરિયાદ નોંધવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
નવસારી શહેરને અડીને આવેલ વિજલપોરના એક જાગૃત નાગરિક પોતાનું વાહન લઈને નવસારી નગરપાલિકાના હદ વિસ્તારમાં કામ માટે આવ્યાં હતાં. તેઓ નવસારી શહેરમાં વાહન હંકારી રહ્યા હતા, ત્યાંરે ભારે વરસાદને લઈને માર્ગમાં પડેલ મસમોટા ખાડામાં બાઇક ખાબકતાં તેઓ ઇજાગ્રસ્ત થયાં અને તેને સારવાર લેવાનો વારો આવ્યો હતો. માથા તેમજ મોઢાના ભાગે ઇજા થતાં મુસીબતમાં આવેલ જાગૃત યુવકે પાલિકાની ગંભીર બેદરકારી સામે બાયો ચઢાવી છે. તેમણે પોલીસનું શરણું લઈને પાલિકાને પાઠ ભણાવવા શહેર પોલીસ મથકમાં અરજી કરી સત્તાધીશો તેમજ જવાબદાર ચીફ ઓફિસર સામે એફઆઇઆર નોંધવામાં આવે તેવી માંગણી કરી છે.