એક એવું છાત્રાલય જ્યાં છાત્રોના ભવિષ્ય સાથે થઇ રહ્યું છે કંઇક આવું

New Update
એક એવું છાત્રાલય જ્યાં છાત્રોના ભવિષ્ય સાથે થઇ રહ્યું છે કંઇક આવું

છાત્રાલયમાં રહેતા બાળકો માટે પીરસાતા ભોજનનાં લોટમાંથી નીકળે છે જીવાત

વડોદરા જિલ્લાના વરણામા ગામની સીમમાં પોલીસ લાઈનની બાજુમાં જ એક ગૌતમ કુમાર છાત્રાલય આવેલી છે. આ છાત્રાલયની 1962 માં સ્થાપના કરવામાં આવી હતી. અહીં આશરે કુલ 24 બાળકોની સંખ્યા છે. આ છાત્રાલયમાં જે બાળકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા બાળકો છાત્રાલયમાં અભ્યાસ પ્રાપ્ત કરતા હોય છે. આ કુમાર છાત્રાલયમાં રહેતા બાળકોને અપાતું ભોજન અને તેમની પ્રાથમિક જરૂરિયાતો અપુરતી હોવાનું જણાઈ રહ્યું છે.

વરણામા ગૌતમ કુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા અને રહેતા બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે તેવું સરકારનું સૂત્ર છે અને તો શું આ રીતે બનશે બાળકોનું ભવિષ્ય ? વરણામા ગામે ચાલતી છાત્રાલય રામભરોસે ચાલતી હોય તેમ લાગી રહ્યું છે. આ સંસ્થામાં બાળકોને અપાતું ભોજન પણ બિન આરોગ્યપ્રદ હોય તેવું રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે.

છાત્રાલયના બાળકોને અપાતું ભોજન કેટલું સુરક્ષિત છે તે જાણવાનો કનેક્ટ ગુજરાત દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે અનાજનું ગોડાઉન ખોલતાની સાથે જ સંસ્થામાં રહેતા બાળકોને શાકમાં વપરાતી ડુંગળી જમીન ઉપર પાથરેલી ડુંગળી સડેલી હાલતમાં જોવા મળી હતી. ત્યારબાદ બાળકોને જે રોટલી પીરસાતી હોય છે તે ઘઉંના લોટમાં જીવજંતુઓ જોવા મળ્યા હતા. તો ઘઉંમાં માટીના ઢેફા પણ નજરે પડ્યા હતા.

ત્યારબાદ છાત્રાલયમાં બાળકો જ્યાં રહે છે ત્યાં ગેલેરીમાં વરસાદી પાણી ટપકતા હતા. જેથી તો જ્યાં બાળકો માટે ભોજન બનાવવામાં આવે છે તે રસોડામાં પણ વરસાદી પાણી ટપકતું હોય રસોઈમાં આ વરસાદી પાણી ભળવાની સંભાવનાઓ નજરે પડી હતી. જો આવું ભોજન વિદ્યાર્થીઓ આરોગે તો રોગચાળો થવાની શક્યતાને પણ નકારી શકાય તેમ ન હતી.

છાત્રાલયમાં અભ્યાસ કરતા બાળકો માટે બાથરૂમ તથા શૌચાલાયના બારણાં તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. છાત્રાલયની સુવિધા બાબતે ગૌતમ કુમાર છાત્રાલય સંસ્થાના ગૃહપતિ ચંપક બચુભાઈ સોલંકી સાથે થયેલી વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, સંસ્થાના પ્રમુખ અનિરુદ્ધભાઈને બે વર્ષ પહેલાં લેખિત તથા મૌખિક રજુઆત કરવામાં આવી હતી. સરકારમાંથી જે અનાજ બાળકોને આપવામાં આવે છે તેજ અમે બાળકો માટે ભોજન બનાવવા માટે વાપરીએ છીએ.

આ સમગ્ર બાબતમાં પ્રમુખે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ગૌતમ કુમાર છાત્રાલયમાં લોટમાં જીવજંતુ છે કે કેમ તે હું તપાસ કરાવી લઉં છું. હાલ ચોમાસું સિઝન ચાલે છે એટલે મારા ઘરે પણ કેટલાંક અનાજમાં જીવડાં પડ્યા છે. વરણામાં ગૌતમ કુમાર છાત્રાલયમાં કહી દઉં છું કે લોટને વ્યવસ્થિત જગ્યાએ રાખવામાં આવે.