Connect Gujarat
ગુજરાત

વલસાડ: એચડીએફસી બેંક ડેપ્યુટી મેનેજરની છેતરપિંડી, ૫૭.૪૭ લાખની ઉચાપત કરતાં પોલીસે કરી ધરપકડ

વલસાડ: એચડીએફસી બેંક ડેપ્યુટી મેનેજરની છેતરપિંડી, ૫૭.૪૭ લાખની ઉચાપત કરતાં પોલીસે કરી ધરપકડ
X

વલસાડની હાલર રોડ પર આવેલી એચડીએફસી બેંકના ડેપ્યુટી મેનેજરે ગ્રાહકોને ફિક્સ ડિપોઝિટ મૂ્કવા માટે પોતાની જ બેંકના બોગસ કન્ફર્મેશન ઓફ ડિપોઝિટ સર્ટિફિકેટો પધરાવી રૂ. ૫૭.૪૭ લાખની માતબર રકમની છેરતપિંડી અને વિશ્વાસઘાત કરવાનો મામલો બહાર આવ્યો છે. બેંકના જ ડે.મેનેજરે મહેનતના નાણાંની મોટી ઉચાપત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા આરોપી મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.

વલસાડના હાલર રોડ સ્થિત એચડીએફસી બેંકમાં 2012થી કસ્ટમર સર્વિસ, સેલ્સ અને ઓપરેશનની કામગીરી વિનય અશોક મેરાઇ ડેપ્યુટી મેનેજરના હોદ્દા પર ફરજ બજાવતો હતો. દરમિયાન તેણે ઓકટોબર-2016 થી 13 સપ્ટેમ્બર 2019 સુધીના 3 વર્ષના ગાળા દરમિયાન ફિક્સ ડિપોઝિટ માટે બેંકના કન્ફર્મેશન ઓફ ડિપોઝિટના બોગસ અને ખોટા દસ્તાવેજ બનાવી ગ્રાહકો પાસેથી ફિક્સ ડિપોઝિટ માટે સેલ્ફ ચેક અને રોકડ રકમ પડાવીને બેંકમાં જમા કર્યા વિના બારોબાર ચાઉ કરી ગયો હતો. બેંકના અધિકારી તરીકે એચડીએફસીના ઉપલા અધિકારીઓની જાણ બહાર પોતાની સત્તાનો દુરૂપયોગ કરી જૂદી જૂદી રકમના ૪૧ જેટલા ખોટા બનાવટી કન્ફર્મેશન ઓફ ડિપોઝિટ સર્ટિફિકેટ બેંકના જ છે તેવું જણાવી ગ્રાહકોને પધરાવી તેમની પાસેથી સેલ્ફના ચેક તથા રોકડ મળી કુલ ૫૭.૪૭ લાખ પડાવી લીધાં હતા.

સમગ્ર મામલે એક ગ્રાહકને પૈસાની જરૂર પડતા તેમને આરોપી પાસે પૈસાની માંગણી કરી હતી. જેમાં આરોપીએ પૈસા ન આપતા ગ્રાહક દ્વારા બેંક મેનેજરને મળી જ્યાં તેમની ફિક્સ ડિપોઝિટ ઉપર લોન લેવા વાત કરી એચડીએફસી બેંકના કુલ 41 જેટલા કન્ફર્મેશન ઓફ ડિપોઝિટ સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. જેને જોતાં તમામ ફિક્સ ડિપોઝિટની રકમની રસીદોની એન્ટ્રીઓ બેંકની સીસ્ટમમાં ચેક કરાઇ હતી. પરંતું એક પણ રસીદ બેંકના રેકોર્ડ સાથે મેચ થઇ ન હતી. સીઓડી સર્ટિફિકેટમાં લખેલા એફડી નંબર બોગસ અને ખોટા હોવાનું બહાર આવતા આખો ભાંડો ફૂટ્યો હતો. ગ્રાહકની પૂછપરછ કરતા જણાવ્યું કે, આ રસીદો આપીને બેંકમાં તમારી રકમ જમા કરાવી દઇશ તેવું વિનય મેરાઇએ કહ્યું હતું. જેને લઈને સમગ્ર મામલે બેંકના બ્રાન્ચ મેનેજર દ્વારા આરોપી ડેપ્યુટી મેનેજર વિનય મેરાઇ વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા વલસાડ સિટી પોલિસે ગુનો દાખલ કર્યો હતો. અને તપાસ કરતા આરોપી વિનય મેરાઈની ધરપકડ કરવામાં આવી છે. હાલ વધુ તપાસ વલસાડ સીટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Next Story