/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/IMG-20161217-WA0014.jpg)
વડોદરા મહાનગર સેવા સદનની આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ 45 જેટલી ફૂડ દુકાનો પર રેડ કરી હતી જેમાં ખોરાકની ગુણવતા અને પીરસવાની રીતને ચકાસી હતી.
શનિવાર સવારે VMSSના આરોગ્ય વિભાગની બે ટીમોએ શહેરના ઘણા વિસ્તારોમાં મીઠાઈઓ અને ખાદ્ય વસ્તુઓ વેચતી દુકાનો પર રેડ કરી હતી અને ત્યાંના માલિકોને અખબારો અને પ્રિન્ટીંગ કાગળમાં ખાદ્ય વસ્તુઓ લપેટીને ન વેચવા માટે નોટિસ આપી હતી.
ફૂડ ઇન્સ્પેક્ટર વિપુલ રાણાએ જણાવ્યુ હતુ કે શહેરમાં લગભગ દરેક જગ્યાએ નાસ્તા, મીઠાઈઓ અને ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો ગ્રાહકોને વસ્તુઓ આપવા માટે સમાચાર કાગળો તેમજ પ્રિન્ટીંગ કાગળો ઉપયોગ કરી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે દુકાનો પર પ્રિન્ટિંગ કાગળો અને સમાચાર પત્રોના લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઇ શકે છે તથા આ વાતથી ગ્રાહકો અજાણ છે તેથી તેમની ટીમે આ જોખમી સામગ્રીનો ઉપયોગ અટકાવવા અંગેના પગલા લીધા છે.
રાણાએ ઉમેર્યું હતુ કે દુકાનદારોને આ અંગેનું માર્ગદર્શન તેમજ નોટિસ આપવામાં આવી છે તથા થોડા દિવસ બાદ ફરીથી તેની પુનઃ ચકાસણી કરવામાં આવશે અને તેમાં જો તેઓ આ કાગળોનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેમના વિરૃદ્ધ ફૂડ સેફટી કાયદા પ્રમાણે કાયદેસરના પગલા લેવામાં આવશે.