Connect Gujarat
દુનિયા

યુક્રેન - રશિયા વચ્ચે યુધ્ધ : રાજધાની કીવ સુધી પહોંચી રશિયન સેના, વાંચો યુધ્ધની અથથી ઇતિ

યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ શરૂ થઇ ચુકયું છે. રશિયન સેનાના હુમલામાં યુક્રેનના અનેક નાગરિકો અને સૈનિકો મોતને ભેટયાં છે.

યુક્રેન - રશિયા વચ્ચે યુધ્ધ : રાજધાની કીવ સુધી પહોંચી રશિયન સેના, વાંચો યુધ્ધની અથથી ઇતિ
X

યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ શરૂ થઇ ચુકયું છે. રશિયન સેનાના હુમલામાં યુક્રેનના અનેક નાગરિકો અને સૈનિકો મોતને ભેટયાં છે. યુક્રેનના લોકો જીવ બચાવવા માટે દોડધામ કરી રહયાં છે. રાજધાની કીવ સહિતના મોટાભાગના યુક્રેનના શહેરોમાંથી વિસ્ફોટો તથા ગોળીબારના અવાજ સંભળાય રહયાં છે. અમે તમને જણાવી રહયાં છે યુક્રેન અને રશિયા વચ્ચે સંબંધો કેમ વણસ્યાં....

સૌથી પહેલા અમે તમને પરિચય કરાવીશું યુક્રેનનો... યુરોપ ખંડના પૂર્વ ભાગમાં આવેલો એક દેશ છે. તેની સીમાઓ પૂર્વ દિશામાં રશિયા, ઉત્તરમાં બેલારુસ, પોલેન્ડ, સ્લોવાકિયા, પશ્ચિમમાં હંગેરી, દક્ષિણ-પશ્ચિમ દિશામાં રોમાનિયા અને મોલ્દોવા સાથે જોડાયેલી છે. યુક્રેનની દક્ષિણ દિશામાં કાળો સમુદ્ર અને અજોવ સાગર સાથે મળે છે. કીવ આ દેશનું સૌથી મોટું શહેર તથા રાજધાની છે.

કીવ શહેર તેની સ્થાપત્યકળા માટે જાણીતું છે. યુક્રેનના મોટાભાગના શહેરો આકર્ષક સોવિયેત આર્કિટેક્ચર, મઠો, સુવર્ણ-ગુંબજવાળા ચર્ચ અને સુંદર શેરીઓ ધરાવે છે અને આ શેરીઓનું આર્કષણ ઉડીને આંખે વળગે છે. રશિયાના આક્રમણ બાદ કીવ સહિતના શહેરો તેની સુંદરતા ગુમાવે તેવી સંભાવના છે. યુધ્ધમાં ઐતિહાસિક ઇમારતોને નુકશાન થવાની સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.

હવે જાણીશું કેમ પાડોશીઓ બની ગયાં એકબીજાના દુશ્મન... યુક્રેન પશ્ચિમમાં યુરોપ અને પૂર્વમાં રશિયાથી ઘેરાયેલો દેશ છે. 1991 સુધી યુક્રેન અગાઉના સોવિયેત સંઘનો ભાગ હતું અને ત્યારબાદ અલગ દેશનો દરજજો મેળવ્યો હતો. બંને દેશો વચ્ચે તણાવની શરૂઆત 2013થી થઇ હતી. યુક્રેનના તત્કાલીન રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચે કિવમાં વિરોધ કરવાનું શરૂ કર્યું.


વિરોધીઓને રશિયાનો ટેકો હતો. યુએસ-યુકે સમર્થિત વિરોધીઓના કારણે ફેબ્રુઆરી 2014માં યાનુકોવિચને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. યાનુકોવિચના દેશ છોડયાં બાદ રશિયાએ દક્ષિણ યુક્રેનમાં આવેલાં ક્રિમીયાને પોતાના દેશમાં સમાવી લીધું હતું. ક્રિમિયા એક વ્યુહાત્મક સ્થળ છે. રશિયાના સમર્થનથી અલગાવવાદીઓએ પુર્વ યુક્રેનના મોટાભાગના વિસ્તારો પર કબજો જમાવી લીધો છે.

રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ આટલેથી અટકતો નથી. 2014થી ડોનબાસ પ્રાંતમાં રશિયા તરફી અલગતાવાદીઓ અને યુક્રેનિયન દળો લડી રહ્યા છે. આ પહેલા પણ જ્યારે 1991માં યુક્રેન સોવિયત સંઘથી અલગ થયું ત્યારે ક્રિમિયાને લઈને બંને દેશો વચ્ચે ઘણા સંઘર્ષ થયા હતાં. ️ફ્રાન્સ અને જર્મનીએ 2015માં બેલારુસની રાજધાની મિન્સ્કમાં બંને વચ્ચે શાંતિ અને યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

યુક્રેનની નાટો સાથે વધતી નિકટતાથી રશિયાના પેટમાં તેલ રેડાયું છે. યુક્રેનએ નાટો સાથે ગાઢ અને મિત્રતા બાંધવાનું શરૂ કર્યું. યુક્રેન નાટો સાથે સારા સંબંધો ધરાવે છે. નાટો એટલે કે 'નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન'ની રચના 1949માં તત્કાલિન સોવિયત સંઘ સાથે વ્યવહાર કરવા માટે કરવામાં આવી હતી.અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના 30 દેશો નાટોના સભ્ય છે. જો કોઈ દેશ ત્રીજા દેશ પર હુમલો કરે છે, તો નાટોના તમામ સભ્ય દેશો એક થઈને તેની સામે લડે છે.

હવે જોઇએ યુધ્ધનું અત્યાર સુધીનું અપડેટ..રશિયાની સેના હાલ યુક્રેનની રાજધાની કિવ સુધી પહોચી ગઈ છે અને રશિયન સૈનિકો કિવની દશા બગાડવા તૈયાર થઈ ગયા છે. આજે રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. સવારે યુક્રેનની રાજધાની કિવમાં 7 મોટા બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. શહેર પર એક પછી એક મિસાઈલોથી હુમલો કરવામાં આવી રહ્યો છે.યુક્રેનની સેનાએ કિવ નજીક એક પુલ તોડી નાંખ્યો છે. રશિયન સેનાને ત્યાં ઘૂસતા રોકવા માટે આવું કરવામાં આવ્યું છે.

વાત કરીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની. યુક્રેનિયન સેના અને નાગરિકો રશિયાની સેનાનો હિમંતથી મુકાબલો કરી રહયાં છે પણ નાટોની સેના હજી યુક્રેનની મદદે આવી નથી. વિશ્વના મોટાભાગના દેશો રશિયા પર પ્રતિબંધો મુકી રહયાં છે પણ યુધ્ધમાં ફસાયેલા યુક્રેનના નાગરિકોને બચાવવા માટે કોઇ દેશ આગળ આવી રહયો નથી.

યુક્રેનના નાગરિકો હાલ ભગવાનના ભરોસે છે. યુક્રેનવાસીઓને સતત મોતનો ભય સતાવી રહયો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વિશ્વને દયાની અપીલ કરી રહયાં છે પણ કોઇ દેશ યુક્રેનને સાથ આપવા ખોંખારીને આગળ આવી રહયો નથી. ઝેલેન્સકીએ પોરોશેન્કોને હરાવીને 73.2% મત સાથે ચૂંટણી જીતી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ વિરામ થાય અને નિર્દોષ નાગરિકોના જીવ બચે તે માટે વિશ્વએ હવે આગળ આવવું જ પડશે.

Next Story