Connect Gujarat
Featured

ભરૂચ : ચાર દિવસ બાદ નર્મદા નદીની સપાટીમાં ઘટાડો, હાલની સપાટી 31.50 ફુટ

ભરૂચ : ચાર દિવસ બાદ નર્મદા નદીની સપાટીમાં ઘટાડો, હાલની સપાટી 31.50 ફુટ
X

ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં 3 ફુટનો ઘટાડો નોધાયો છે. ગઇકાલે નર્મદા નદીની સપાટી 35 ફુટને પાર કરી જતાં પુરના પાણી અંકલેશ્વરના દીવા રોડ પરની સોસાયટીઓ સુધી પહોંચી ગયાં હતાં. આજે બુધવારે સવારથી નર્મદા નદીની સપાટીમાં ઘટાડો થવાની શરૂઆત થઇ હતી.

નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીના કારણે ચાર દિવસથી નર્મદા નદી તેની 24 ફુટની ભયજનક સપાટી વટાવીને 35 ફુટ સુધી પહોંચી ગઇ હતી. નર્મદા નદીના પુરના કારણે જિલ્લામાંથી 6 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે જયારે 30થી વધારે ગામો અસરગ્રસ્ત થયાં છે. સરદાર સરોવરમાં હાલ ઉપરવાસમાં 2.46 લાખ કયુસેક પાણીની આવક થઇ રહી છે જેની સામે ડેમમાંથી 1.55 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીની માત્રામાં ઘટાડો થતાં નર્મદા નદીની સપાટી ઘટવાની શરૂઆત થઇ છે. નર્મદા નદીની સપાટી 35 ફુટ સુધી પહોંચી જતાં પુરના પાણી અંકલેશ્વર સુધી પહોંચી ગયાં હતાં. નદીની આસપાસના પાંચ કીમી સુધીના વિસ્તારમા હજી પણ પુરના પાણી જોવા મળી રહયાં છે. બીજી તરફ ગોલ્ડનબ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવે તેવી શકયતા ઉભી થઇ હતી પણ સપાટી ઘટવા લાગતાં બ્રિજને રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યો છે.

Next Story