/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/96a8be00-090f-4e8a-8b69-ae00c50a01c6.jpg)
અગાઉ 1992માં નંખાયેલી લાઈનના નાણા હજી ખેડૂતોને ચૂકવાયા નથી ત્યાં બીજી લાઈન નંખાતા વિરોધ
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે ગેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ખાનગી ગેસ લાઇન નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. ગામના ખેડૂતોએ પોતાની જમીનમાંથી ગેરકાયદેસર ગેસ લાઇન નાખવાનું કામ અટકાવી દીધું હતું.
વર્ષ 1992 માં સૌ પહેલાં આ ગેસ લાઈન નાખવામાં આવી હતી. જેનું વળતર આજદિન સુધી ખેડૂતોને મળ્યું નથી. છતાં રીપેરીંગ કરવાના નામે અને બીજી નવી લાઇન નાખવાનું કામ કંપની દ્વારા ચાલુ કરી દેવાયું હતું. જેથી ખેડૂતો ગુસ્સે ભરાયા હતા. ખેડૂતોએ અધિકારીઓ સામે બાંયો ચડાવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પરંતુ ખેડૂતોએ પોતાની તમામ માંગણીઓને દસ્તાવેજી પુરાવો રજૂ કરવાનું કહેતા ગેઇલ ઇન્ડિયાના અધિકારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. આખરે આ કામ પડતું મૂકી ચાલ્યા જવું પડ્યું હતું.
ભરૂચ જિલ્લામાં તેમજ સમગ્ર રાજ્યમાં ખેડૂતોની જમીન ઉપર સરકારી દબાણો કરી વિકાસની જે વાતો થઈ રહી છે તે સદંતર ખોટી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોની પોતાની મહામૂલી જમીનો ઉપર આવી રીતે સરકાર કબજો કરશે તો ખેડૂતો પોતાનો પાક કેવી રીતે મેળવશે? એવી ખેડૂતોએ રજૂઆત કરી હતી. અગાઉ પણ બાકરોલ ગામના ખેડૂતોએ આ કામગીરી અટકાવી હતી. જેનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી.
આવતીકાલે ખેડૂતોએ આ અંગે રજૂઆત કરી અધિકારીઓ સાથે મિટિંગનો દોર શરૂ કરશે. જેમાં ખેડૂતોનો પ્રશ્નોનો નિકાલ આવશે તો જ આ ખેડૂતોની જમીન ઉપર લાઈનનું કામ કરવામાં આવશે. ખેડૂતોએ કોર્ટમાં ફરિયાદ કરી હતી જેનો કેસ હજી ચાલુ જ છે.