/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/003-1-e1556598892299.jpg)
દવા લઇને પરત આવી રહેલા બાઇકસવાર દંપતીને નડ્યો અકસ્માત
ને. હાઇવે નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાના દેથાણ ગામ પાસે ગતમોડી સાંજે આઇશર ટેમ્પોના ચાલકે બાઇકસવાર દંપતિને ટક્કર મારતા પતિ - પત્નીના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યા હતા. જ્યારે તેઓના દસ વર્ષના પુત્રને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.
પ્રતાપભાઇ શંકરભાઇ ગોહિલ, દક્ષાબેન પ્રતાપભાઇ ગોહિલ તેમજ તેઓનો દસ વર્ષનો પુત્ર કુલદિપ પ્રતાપભાઇ રહે. દેથાણ તા. કરજણ દવા લઇને પરત દેથાણ આવી રહ્યા હતા તે વેળા દેથાણ ગામ પાસેના વળાંક નજીક એક આઇશર ટેમ્પો નંબર જીજે - ૧૫ - એ ટી - ૨૨૧૯ ના ચાલકે ટેમ્પો પુરઝડપે ગફલતભરી રીતે હંકારી આગળ ચાલી રહેલા બાઇકસવાર દંપતિને ટક્કર મારતા બાઇકસવાર દંપતિ ફંગોળાઇને બાજુના ખાડામાં પડતા બંનેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી જવા પામ્યું હતું.
જ્યારે દસ વર્ષના કુલદિપને જમણા પગે ફેક્ચર થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતને પગલે લોકટોળા ઘટનાસ્થળે ભેગા થયા હતા. જ્યારે આઇશર ટેમ્પો ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળે ટેમ્પો મુકી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં મોતને ભેટનાર પ્રતાપભાઇ તથા દક્ષાબેનના મૃતદેહને પી એમ અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. અકસ્માત સંદર્ભે કરજણ પોલીસે ટેમ્પો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ફરાર ટેમ્પો ચાલકના શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. દંપતિના મોતના સમાચાર વાયુવેગે દેથાણ ગામમાં પ્રસરતા ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી...