ભરૂચના થામ ગામના કબ્રસ્તાનમાંથી બુલેટ ટ્રેન પસાર થવા સામે વિરોધ

New Update
ભરૂચના થામ ગામના કબ્રસ્તાનમાંથી બુલેટ ટ્રેન પસાર થવા સામે વિરોધ

ટ્રેનનો રૂટ બદલવા ગ્રામજનોનું કલેકટરને આવેદન

કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેકટ બુલેટ ટ્રેન યોજનામાં આ ટ્રેન ભરૂચ જિલ્લાના થામ ગામના મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાંથી પસાર થવા સામે મુસ્લિમ સમાજે વિરોધ ઉઠાવી ટ્રેનનો રૂટ બદલવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

ભારત સરકારના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેનનું કામકાજ ધમધોકાર ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન ભરૂચ જિલ્લામાંથી પણ પસાર થવાની હોય તેના રૂટ પરના ગામોના કિસાનોન જમીન સંપાદનની કામગીરી પણ ચાલી રહી છે. બુલેટ ટ્રેનના રૂટમાં ભરૂચ તાલુકાનું થામ ગામ પણ આવે છે. જેમાં ગામના જુના સર્વે નમ્બર ૩૫૨ અને નવા સર્વે નમ્બર -૪ માં આવેલ મુસ્લિમોના કબ્રસ્તાનમાંથી ટ્રેન પસાર થાય છે.જેની સામે ગ્રામજનોએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. ગામના મુસ્લિમ સમાજે આજરોજ જિલ્લા કલેકટરને આવેદન આપી બુલેટ ટ્રેનનો રૂટ બદલવાની માંગ ઉઠાવી છે.

ગ્રામજનોએ આવેદનમાં બુલેટ ટ્રેનની યોજનાને આવકારી આ પ્રોજેકટ વહેલો પૂરો થાય તે માટે પોતાની ખેતીની જમીન આપવાની તૈયારી બતાવી છે.પણ કબ્રસ્તાનનો રૂટ બદલાય તેવી માંગ કરી છે. બુલેટ ટ્રેનના કામ માટે કબ્રસ્તાનમાંની ૧૦૦ જેટલી કબરો ખોદવી પડશે તેના સ્થાને કબ્રસ્તાનથી ૧૦૦ અથવા ૨૦૦ મીટર દૂરથી ટ્રેનનો રૂટ રાખવા અપીલ કરી છે.