Connect Gujarat
ગુજરાત

ભરૂચની મહિલા હોમગાર્ડ ત્રણ મહિનાથી વેતનથી વંચિત શોષણ થતું હોવાની ફરિયાદ ઉઠાવી

ભરૂચની મહિલા હોમગાર્ડ ત્રણ મહિનાથી વેતનથી વંચિત શોષણ થતું હોવાની ફરિયાદ ઉઠાવી
X

ભરૂચ હોમગાર્ડ વિભાગમાં એક પછી એક વહીવટીય વિવાદો બહાર આવતા જાય છે.આમોદના દલિત હોમગાર્ડ સાથે અન્યાયની ઘટનાના વિવાદ બાદ બે દિવસ પહેલાજ હાજરી કૌભાંડની બૂમ ઉઠી હતી.હજી તેના પડઘા શાંત થાય તે પહેલા જ મહિલા હોમગાર્ડનું શોષણ થતું હોવાની અને ત્રણ મહિનાથી વેતન ન મળ્યું હોવાનો વિવાદ બહાર આવ્યો છે.

ભરૂચ હોમગાર્ડ વિભાગ તેના ખાડે ગયેલા વહીવટના કારણે વારંવાર વિવાદોમાં સપડાય છે. આજરોજ મહિલા હોમગાર્ડઓ એ વધુ એક વિવાદ છેડયો છે. મહિલા હોમગાર્ડના કહેવા મુજબ તેમને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી.મોંઘવારીના સમયમાં ઘર કેવી રીતે ચલાવવું તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો છે. એક બાજુ પગારના વલખા અને બીજી બાજુ ફરજ પર હોય ત્યારે ચેકીંગ કરવા માટે પુરુષ હોમગાર્ડ અધિકારી પોતે ડ્રેસ પહેર્યા વિના આવે છે. ખાનગી કપડાં પહેરી આવતા અધિકારી મહિલા હોમગાર્ડને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે. મહિલા હોમગાર્ડની ફરજની ચેકીંગ માટે મહિલા હોમગાર્ડ અધિકારી આવવી જોઈએ તેના સ્થાને ઈરાદા પૂર્વક પુરુષને જવાબદારી સોંપાય છે. આ ખરેખર અન્યાયી બાબત છે તેવી ફરિયાદ પણ મહિલા હોમગાર્ડઓ એ ઉઠાવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભરૂચ હોમગાર્ડમાં ૪૦ જેટલી નવી મહિલા હોમગાર્ડની ભરતી કરવામાં આવી હતી. જેમને પૂરેપૂરી નોકરી આપવાની બાંહેધરી આપતા કેટલીક યુવતીઓ તેમની અન્ય નોકરી છોડીને હોમગાર્ડમાં ભરતી થઈ હતી. હવે નવી મહિલા હોમગાર્ડઓ ને ફરજ પર બોલાવાતી નથી. એટલે તેમનામાં પણ ચણભણાટ ચાલી રહ્યો છે. જ્યારે બીજી બાજુ હોમગાર્ડના અધિકારીઓ જૂની મહિલા હોમગાર્ડઓ ને છુટા કરી તેમના સ્થાને નવી ભરતી થયેલ મહિલા હોમગાર્ડઓ ને ફરજ પર બોલાવવાની ધમકી આપતા હોવાની ફરિયાદ ઉઠી છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પલાટૂંન કમાન્ડર માટે લેવાયેલ પરીક્ષામાં પણ ભરૂચ હોમગાર્ડ વિભાગમાં ઘેર લાયક ઉમેદવારોને પરીક્ષા અપાવી ભ્રષ્ટચાર કરાયો હોવાની અને હાજરી કૌભાંડની બુમો ઉઠી હતી.

જેમાં સીધા હોમગાર્ડ કમાન્ડન્ટના વહીવટ સામે જ આંગળી ચીંધાઈ રહી છે. હોમગાર્ડ કમાંડન્ટની હોમગાર્ડ વિભાગમાં વહાલા દવલા ની નીતિના કારણે ભ્રષ્ટચાર વધતો હોવાનું હોમગાર્ડ વિભાગમાં ચર્ચાની એરણે છે.

Next Story