રક્ષાબંધન પર સર્જાયો અનોખો સંયોગ
મૃતક બહેનના ભાઈને મળ્યા આશીર્વાદ
સ્વ.રિયાના હાથનું કરાયું હતું ડોનેટ
મુંબઈની અનામતામાં હાથનું કરાયું હતું ટ્રાન્સપ્લાન્ટ
અનામતાએ સ્વ.રિયાના ભાઈને બાંધી રાખડી
ઈશ્વર અને અલ્હાનું દેવત્વ ખરા અર્થમાં સાકાર થયું
વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,ત્યારે આજના આ પવિત્ર પ્રસંગે સ્વર્ગસ્થ બહેનના જ હાથથી ભાઈ શિવમને આશીર્વાદ મળતા ભાવુકતા ભર્યો માહોલ છવાય ગયો હતો.
વલસાડની પ્રેમ, લાગણી અને માનવતાની મિસાલની એક અનોખી ઘટના દેશભરમાં હૃદયસ્પર્શી બની હતી.સપ્ટેમ્બર 2024માં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય સ્વ. રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. વિશ્વના ઈતિહાસમાં સૌથી પહેલીવાર એટલી નાની ઉંમરે માત્ર 9 વર્ષની બાળકીના હાથનું આ દાન થયું હતું. સ્વ. રિયાનો જમણો હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડો.નીલેશ સાતભાઈ દ્વારા ગોરેગાવ, મુંબઈની રહેવાસી 15 વર્ષીય અનામતા અહેમદમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એક પરિવારના જીવનમાં નવી આશા જાગી નથી, પરંતુ આજે સ્વ. રિયાના ભાઈના જીવનમાં પણ બહેનના પ્રેમનો અહેસાસ ફરી જીવી ઉઠયો છે.
રક્ષાબંધનની ઉજવણી કરવા અનમતા અહેમદ રિયાનાં ભાઈ શિવમને રાખડી બાંધવા મુંબઈથી વલસાડ તેના પરિવાર સાથે આવીને રાખડી બાંધી હતી. આ ક્ષણ કંઈક એવી હતી કે, આંખો પણ લાગણીસભર આંસુઓથી છલકાઈ ગઈ હતી.પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના ડોનેટ કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા લાગણીના તાર અતૂટ રીતે જોડાઈ ગયા હતા.યુવાનીમાં ડગ માંડતી અનામતાને તો જાણે હાથ નહીં પણ રિયા નામની નવી પાંખો મળી હતી.તેનો સમગ્ર પરિવાર રિયાનાં પરિવારનો, ડોનેટ લાઈફ તથા તબીબોનો ઋણી છે. તેથી જ આ રક્ષાબંધન પર એ ઋણ અદા કરવા અનમતા અહેમદ વલસાડ આવી પહોંચી હતી, રિયાના હાથથી ભાઈ શિવમના હાથ પર અનમતાએ જ્યારે રાખડી બાંધી ત્યારે એક અનન્ય રક્ષાબંધનનો માહોલ રચાય ગયો હતો.સ્વ. રિયાના હાથનું અંગદાન આ રક્ષાબંધન પર ઈશ્વર અને અલ્હાના દેવત્વને ખરા અર્થમાં સાકાર કરી ગયું હતું.