Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વાગરા આરોગ્ય કેન્દ્રના ડોકટરની માનવતા મરી પરવારી, પોસ્ટમોર્ટમ કરવા આનાકાની કરતા મચ્યો હોબાળો

ભરૂચ : વાગરા આરોગ્ય કેન્દ્રના ડોકટરની માનવતા મરી પરવારી, પોસ્ટમોર્ટમ કરવા આનાકાની કરતા મચ્યો હોબાળો
X

વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડોક્ટર દ્વારા વીંછીયાદ ગામના આધેડનું પોસ્ટમોર્ટમ કરવાની આનાકાની કરવામાં આવતા હોબાળો મચ્યો હતો. મૃતકની સાથે રહેલ સગા સંબંધીઓ તેમજ ગ્રામજનોએ હોબાળો મચાવતા કલાકો બાદ ડોક્ટરે મૃતદેહનું પી.એમ કરવાની ફરજ પડી હતી.

ડોક્ટરને ભગવાનનું બીજુ સ્વરૂપ માનવામાં આવે છે, અને તેની પાસે લોકો અનેક અપેક્ષાઓ સેવતા હોય છે. સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા ડોકટરો દર્દીઓની વિનમ્રભાવે સારવાર સાથે સેવા પણ કરતા હોય છે, ત્યારે સમગ્ર તબીબી જગતનું માથું શરમથી ઝૂકી જાય તેવો બનાવ વાગરા આરોગ્ય કેન્દ્રમાં બનવા પામ્યો હતો.

વાગરા સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડોકટર નરોત્તમ. આર. ત્રિવેદીની માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાગરાના વીંછીયાદ ગામના જસવંતસિંહ દીપસિંહ સોલંકી કોઈક અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જતા તેઓનું મોત નીપજ્યુ હતુ. જેઓને વાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. અર્થે લાવવામાં આવતા ફરજ પર હાજર ડોક્ટર નરોત્તમ ત્રિવેદી દ્વારા સૌપ્રથમ તો પી.એમ. કરવાની ઘસીને ના પાડવામાં આવી હતી. જેથી મૃતકના સગા-સંબંધીઓ દ્વારા અનેક વિનંતીઓ કરવા છતાંય ડોકટર પોતાની ફરજને નેવે મૂકી ટ્સ થી મસ ન થયા હતા. વધુમાં મૃતકની સાથે રહેલા પરિજનો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ઘારે જમવા જતાં રહ્યા હતા. જેથી મૃતકના સગા સંબંધીઓ તેઓના ઘરે પહોંચી ગયા હતા. તેમ છતાં પણ તેઓ પરત ન આવતા મૃતકના પારિવારજનોએ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાને ટેલિફોનિક જાણ કરી મદદ માંગતા ધારાસભ્યએ ડોકટર ત્રિવેદીને ફોન કરતાં ડોકટરે ધારાસભ્ય સાથે પણ અસભ્ય વર્તન દાખવ્યુ હતુ. ધારાસભ્યની વાત પ્રત્યે આંખ આડા કાન કરવા સાથે ધારાસભ્યની વાતને પણ ઘોળીને પી ગયા હોવાનું મૃતકના સગા સંબંધીઓ જણાવ્યુ હતુ. અત્રે નોંધનીય છે કે ધારાસભ્ય જેવું મોભાદાર પદ ધરાવતા પ્રજાના સેવક સાથે ઉદ્ધત વર્તન કરતા ડોકટર સામાન્ય દર્દીઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરતા હશે એ તો વિચારવું જ રહ્યુ.

વાગરા સરકારી દવાખાને વીંછીયાદ ગામના આધેડના મૃતદેહનું પી.એમ. કરવા ડોકટર ત્રિવેદીએ ગલ્લા-તલ્લા કરતા મૃતકના સંબંધીઓ દ્વારા ભારે હોબાળો મચાવતા ઘટના સ્થળે કવરેજ કરવા પહોંચેલા પત્રકારોએ ડોક્ટરનો મત જાણવા પ્રયાસ હતો, ત્યારે દબંગ ડોકટરે પત્રકારો સાથે અણછાજતું વર્તન કર્યું હતુ. ડોકટરે પોતે મીડિયાના સવાલોના જવાબો આપવા બંધાયેલા નથી તેમ કહયુ હતુ. તબીબે કરેલ અશોભનીય હરકત પ્રજા સમક્ષ ઉજાગર થશે તેવા ડરથી ફફડી ઉઠેલા ડોકટરે જાણે કે માનસિક સંતુલન ગુમાવી દીધુ હોય તેમ પત્રકારો સાથે ગેરવર્તણૂક કરી, કેમેરો ઝૂંટવી લીધો હતો. ત્યારે પત્રકારે કેમેરાની લૂંટ અંગેની પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા ગભરાઈ ગયેલા ડોકટરે કેમેરો પત્રકારને પરત કરી દેવાની ફરજ પડી હતી. ઉડીને ધુમાડે ફાટેલા ડોકટર એન.આર. ત્રિવેદીએ ધારાસભ્ય ઉપરાંત પત્રકારો સાથે ગેરવર્તણૂક કરતા સમગ્ર પંથકમાં સરકારી તબીબ વિરુદ્ધ ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. અર્થે લાવવામાં આવેલ આધેડનો મૃતદેહ હોસ્પિટલમાં કલાકો સુધી રઝળતી હાલતમાં પડીરહ્યો હતો. જે અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાંયે ડોકટરે પી.એમ. માટે અખાડા કર્યા હતા. પી.એમ. કરવાનું ડોક્ટરની ફરજનો એક ભાગ હોવા છતાંયે અનેક વિનંતીઓના અંતે ડોકટર દ્વારા પી.એમ. કરવાને બદલે લોકો સાથે એકદમ નિમ્નકક્ષાની અભદ્ર ભાષાનો પ્રયોગ કરાયો હતો. અગાઉ પણ આવી રીતે અનેક લોકોને રંજાડનાર માથાભારે ડોકટરની તાત્કાલિક ધોરણે બદલી કરવાની માંગ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામા આવી હતી.

Next Story
Share it