અમદાવાદ : કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે 2500 સોસાયટીને મળી શેરી ગરબાની મંજૂરી...

New Update

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે ક્લબ, પાર્ટી, ફાર્મ હાઉસમાં ગરબા નહીં થવાના હોવાથી મોટાભાગના સોસાયટીઓમાં રાસ-ગરબાનું આયોજન કરાયું છે, ત્યારે પશ્ચિમ અમદાવાદ જ 1500 સોસાયટી ગરબા યોજવા પોલીસની મંજૂરી લીધી છે, જ્યારે ઘણી બધી સોસાયટીઓની મંજૂરી પ્રક્રિયા હાલમાં ચાલુ હોવાથી આંકડો 2000ને પાર થવાનો અંદાજ છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ શેરી ગરબાના આયોજન માટે પોલીસે 1747 પરમિશન આપી છે. જોકે, સોસાયટીમાં રાતે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી આપી છે તેમજ સ્થાનિક રહીશો, વિદ્યાર્થીઓ, દર્દી અને વૃધ્ધોને અડચણ પડે તે રીતે લાઉડ સ્પીકર નહીં વગાડવાની શરતે મંજૂરી આપી છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે માત્ર સોસાયટી, શેરી અને ફલેટોમાં જ રાસ-ગરબા યોજવાની મંજૂરી માત્ર 400 માણસ અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે આપી છે, જ્યારે સોસાયટીમાં લાઉડસ્પીકર વગાડવા માટે પોલીસ સ્ટેશનની મંજૂરી લેવી ફરજીયાત છે. જોકે, પશ્ચિમ અમદાવાદની મોટાભાગની સોસાયટીઓમાં ચાલુ વર્ષે રાસ-ગરબા થવાના હોવાથી આયોજકોએ પોલીસની મંજૂરી લીધી છે. સોસાયટી, શેરી અને ફલેટમાં રાસ-ગરબા માટે પોલીસ મંજૂરી ફરજીયાત છે. પરંતુ જો કોઈ સોસાયટી ગરબાની મંજૂરી ન લે તો પણ તેને ખોટી રીતે હેરાન નહીં કરવા ઉપરી અધિકારી દ્વારા પોલીસ ઇન્સ્પેકટરને સૂચના અપાય છે.