અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજીયાત કરવામાં આવ્યું છે. હોટલમાં આવતા તમામ લોકોએ પોતાનું વેક્સિનેશનનું સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત રહેશે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા તમામ હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને આ બાબતે પત્ર લખી જાણ કરવામાં આવી છે.
હોટલમાં આવતા ગ્રાહકોએ વેક્સિનનો પ્રથમ અથવા બીજો ડોઝ ન લીધો હોય તો પ્રવેશ આપવાનો રહેશે નહીં. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે સૌથી પહેલા હોટલના તમામ કર્મચારીઓના વેક્સિનેશન કરાવી લેવા સૂચના આપી દેવાઈ છે. તે ઉપરાંત હોટેલના માલિકો અથવા તો મેનેજરોએ હોટલમાં આવતા 18 વર્ષથી ઉપરના તમામ ગ્રાહકોના વેક્સિનેશન સર્ટિફિકેટની તપાસ કરીને જ પ્રવેશ આપવાનો રહેશે. તેમણે હોટેલોને પત્રમાં એવું પણ કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે. આગામી સમયમાં તહેવારો પણ આવી રહ્યાં છે. ત્યારે જો ધ્યાન નહીં રાખીએ તો ફરી લોકડાઉનની સ્થિતિ ઉદ્ભવી શકે છે અને આપણાં ધંધા રોજગાર ફરીથી બંધ થઈ શકે છે.