ભરૂચ : કપાસના પાકનો મુદ્દો વડાપ્રધાન સુધી પહોંચ્યો,ખેડૂત સમાજે પત્ર લખ્યો

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટર કરતાં વધારે જમીનમાં ખેતીના પાકને નુકશાન

Update: 2021-08-09 13:06 GMT

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટર કરતાં વધારે જમીનમાં વાવેતર કરાયેલાં ખેતીના પાકને નુકશાન થતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે ત્યારે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે...

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણથી ખેતીના પાકને નુકશાન થયાનો મુદ્દો તુલ પકડી રહયો છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકામાં ખેડુતો કપાસનું વાવેતર કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી કપાસના ફુલ કરમાય જવાની સમસ્યા સામે આવી છે. ચાલુ વર્ષે કપાસના પાકને વ્યાપક નુકશાન થતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. ઘણા ખેડુતો તેમના ખેતરમાંથી કપાસના છોડવા તોડી નાખવા માટે મજબુર બની ગયાં છે. કપાસના કાનમ પ્રદેશ તરીકે જાણીતા ભરૂચ જિલ્લામાં 70 હજાર હેકટર જમીનમાં પાકને નુકશાન થયું હોવાના આંકડા સામે આવી રહયાં છે. અસરગ્રસ્ત ખેડુતોની મદદે ભરૂચ જિલ્લા ખેડુત સમાજ આવ્યો છે. ભરૂચના કોઠી ગામમાં અસરગ્રસ્ત ખેડુતોને બેઠક મળી હતી. જેમાં ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ, ભરૂચ જિલ્લા ખેડુત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરીયા, પર્યાવરણવિદ એમ.એચ.શેખ, ખેડુત અગ્રણીઓ દર્શન નાયક અને કેતન ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. આ બાબતે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે અને ડિટેઇલ સર્વેની માંગ કરવામાં આવી છે તો સાથે જ ખેડૂતોને વચગાળાની સહાય પેટે રૂપિયા 1 લાખ ચૂકવવા પણ માંગ કરવામાં આવી છે

Tags:    

Similar News