નર્મદાઃ 15 દિવસથી નથી ખૂલી આ શાળા, શિક્ષકની બદલી થતાં ગ્રામજનોએ માર્યું છે તાળું

Update: 2018-08-04 13:01 GMT

શાળાનાં ઓરડામાં વરસાદી પાણી ટપકતું હોવાની રજૂઆત કરતાં TPEO દ્વારા ખોટી રીતે બદલી કરાયાનો ગ્રામજનોનો આક્ષેપ

રાજ્ય સરકારનાં મિશન વિદ્યા પ્રોજેકટને જોરશોરથી ચલાવાઇ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં એક ગામની શાળા છેલ્લા પંદર-પંદર દીવસથી ખુલી જ નથી. વાત છે તીલકવાડા તાલુકાનાં નવાપુરા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળાની. આ શાળાનાં મુખ્ય શિક્ષક નરેંન્દ્ર મહેરા કે જે આ શાળામાં ૧૮ વર્ષથી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગ્રામજનો અને બાળકોમાં હળી ભળી ગયેલા આ શિક્ષકની બદલી તંત્ર દ્વારા ખોટી રીતે કરી દેવાતાં ગ્રામજનો વિફર્યા છે અને ગત ૧૭ જુલાઇથી જ શાળાને ગ્રામજનોએ તાળા મારી દીધા છે. ગ્રામજનોની માંગ છે કે જ્યાં સુધી મુખ્ય શિક્ષકને આ જ શાળામાં પરત નહીં મુકાય ત્યાં સુધી શાળા બંધ રહેશે.

કોઇ શિક્ષક વિદ્યાર્થીઓનાં પ્રિય હોઇ શકે પણ ગ્રામજનોનાં પણ અતિપ્રિય હોય તેવો ઘાટ તિલકવાડાના નવાપુરા ગામે સર્જાયો છે. ગત ૧૭ જુલાઇનાં રોજ વરસાદને કારણે નવાપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક ઓરડામાં પાણી ટપકતું હતું. તેનાં કારણે શાળાનાં મુખ્ય શિક્ષક નરેંન્દ્ર મહેરાએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધીકારીને જાણ કરી હતી. બાદમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તપાસમાં આવ્યા હતા.

ગ્રામજનોએ કરેલા આક્ષેપ મુજબ આ TPEOએ શાળા નવી બનાવવા માટે ગ્રામજનોનું નિવેદન લેવું પડશે, તેમ કહીને ગામનાં જ એક વ્યક્તિ પાસે કોરા કાગળ પર જ ૨૨ ગ્રામજનોની સહીઓ કરાવી લીધી હતી અને પાછળથી તેમાં મુખ્ય શિક્ષકની બદલી કરવા અંગેનું લખાણ કરી લઇ વડી કચેરીને જાણ કરતાં જ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટીસ આપ્યા વિના જ ડેડીયાપાડાનાં માથાસર ગામે બદલી કરી દીધી છે. ગ્રામજનોનું માનવું છે કે, મુખ્ય શિક્ષક નરેંન્દ્ર મહેરા આખા ગામનાં લોકો સાથે હળતા મળતા હતા. જરુર પડે વિદ્યાર્થીઓને ઘરે ઘરે પોતાની બાઇક મારફતે જઇને શાળાએ પણ લઇ આવતા હતા. જો કે કોઇપણ સંજોગોમાં શિક્ષકની બદલી પરત અહીં કરાશે, તો જ આ શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થશે. તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.

૧૫-૧૫ દીવસથી શાળા બંધ રહેતાં હાલ તો વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર મોટી અસર પડી રહી છે. બાળકો શાળા તરફ રોજે રોજ નજર ફેરવી નિકળી જાય છે. જો કે શાળાનાં બાળકો પણ જણાવી રહ્યા છે કે મુખ્ય શિક્ષકની બદલી રદ્દ કરી પુન: આજ શાળામાં પાછા મૂકવામાં આવે તો જ અમે પણ ભણવા જઇશું. તેમ કહી મકક્મતા બતાવી હતી. બીજી તરફ જીલ્લા શિક્ષક સંઘનાં પ્રમુખે પણ બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે ચિંતા વ્યક્ત કરી છે. જો કે તેઓએ સ્પષ્ટ જણાવ્યુ છે કે આ અંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સંઘને વિશ્વાસમાં લીધા જ નથી. તો આ વાત ધ્યાને આવ્યા બાદ નાંદોદનાં ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ ગ્રામજનોની મુલાકાત લીધી હતી. પછી તેઓ પણ આ શાળાનાં શિક્ષકને ખોટી રીતે બદલી કરી હોવાનું માની રહ્યા છે. તેમણે જણાવ્યું કે, નિયમોનુસાર બદલી પહેલા કારણ દર્શક નોટીસ આપવી જોઇતી હતી.

આમ તો ૧ થી ૮ ધોરણ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફરજીયાત શિક્ષણ આપવાની જોગવાઇ છે. તે વચ્ચે હાલ તો ૧૫-૧૫ દીવસથી આ શાળાનાં બાળકોનું શિક્ષણ બગડયુ છે. જો કે આ બધા વચ્ચે ગ્રામજનો માની રહ્યા છે કે સરકારી વિભાગમાં બદલી તો આવ્યા કરે પણ માત્ર શાળામાં પાણી પડતુ હોવાની રજુઆત બાદ ખોટી સહીઓ કરાવી બદલી કરતા જ તેઓ છંછેડાયા હતા. જે માટે જવાબદાર તેઓ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જોશીને જ ગણાવી રહ્યા છે. બીજી તરફ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને ધારાસભ્ય પણ શાળા શરૂ થાય અને ઉભો થયેલો વિવાદ ખતમ થાય તેમ ઇચ્છી રહ્યા છે.

Tags:    

Similar News