સુરત : યુવતીએ સ્પોટર્સ બાઇક પર સ્ટંટના વિડીયો કર્યા વાયરલ, આખરે ખાવી પડી જેલની હવા

Update: 2021-03-10 08:17 GMT

વર્તમાન સમયમાં સોશિયલ મિડીયામાં છવાય જવા માટે યુવાવર્ગ જોખમ લેતાં પણ ખચકાતો નથી. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 3 લાખ કરતાં વધારે ફોલોઅર્સ ધરાવતી બારડોલીની યુવતીએ બાઇક પર કરેલાં સ્ટંટના વિડીયો વાયરલ થયાં હતાં. યુવતીએ માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક યુવતી છુટ્ટા હાથે બાઇક ચલાવતાં નજરે પડી રહી છે. આ વિડીયો સુરતના ડુમસ રોડ પર હોવાનું બહાર આવ્યું હતું. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એકશનમાં આવી હતી અને બાઇકના રજીસ્ટ્રેશન નંબરના આધારે માલિકની શોધખોળ કરી હતી. આ બાઇક મોહંમદ બિલાલ ઘાંચીની હોવાનું બહાર આવ્યું હતું. બાઇકના માલિકે જણાવ્યું હતું કે, તેમની બાઇક સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડીંગ માટે આપી હતી.

પોલીસે સંજના ઉર્ફે પ્રિન્સીને શોધી કાઢી તેની વિરૂધ્ધ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડીંગ કરવા બદલ એપેડમિક ડિસીઝ એક્ટ અને લોકોની જીંદગી ભયમાં મુકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી છે. તેની પૂછપરછ દરમિયાન તે બારડોલી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું જણાવ્યું હતું. સંજના ઉર્ફે પ્રિન્સીના ઇન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર સંજનાએ પાંચથી 6 આઇડી બનાવ્યા છે. જે પૈકી એક આઇડીમાં 513 પોસ્ટ અપલોડ કરી છે. આ 513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ બાઇક પર રાઇડીંગ કરતા વિડીયો, કાર ડ્રાઇવ સહિતના વિડીયો છે. આશ્ચર્યની બાબત એ છે કે સંજના વિડીયો ઉતારવા માટે છેક બારડોલીથી સુરતના ડુમસ રોડ પર આવતી હતી.

Tags:    

Similar News