Connect Gujarat
Featured

ભરૂચ : પિરામણ ગામમાં શોકની કાળી કલિમા, અહમદ પટેલની અંતિમ વિધિની ચાલતી તૈયારીઓ

ભરૂચ : પિરામણ ગામમાં શોકની કાળી કલિમા, અહમદ પટેલની અંતિમ વિધિની ચાલતી તૈયારીઓ
X

ભરૂચ જિલ્લાને વિશ્વ ફલક પર પહોંચાડવામાં જેમનો સિંહફાળો રહયો છે તેવા સાંસદ અહમદ પટેલના નિધન બાદ તેમના માદરે વતન પિરામણ ગામમાં શોકનો માહોલ જોવા મળી રહયો છે. અહમદ પટેલની અંતિમ ઇચ્છા મુજબ તેમની દફનવિધિ પિરામણ ગામમાં માતા અને પિતાની કબરની વચ્ચે કરવામાં આવશે…..

અંકલેશ્વર તાલુકાનું પિરામણ ગામમાં જયાં જુઓ ત્યાં શોકનો માહોલ છે. ગામમાં કબર ખોદવાની કામગીરી ચાલી રહી છે. આ કબર રાજયસભાના સાંસદ અહમદ પટેલ માટે ખોદવામાં આવી રહી છે. પિરામણથી પાર્લામેન્ટ સુધીની સફર કરનારા અને 40 વર્ષ કરતાં વધારે રાજકીય અને સામાજીક જીવનમાં કાર્યરત અહમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર ફૈઝલે ટવીટ કરી અહમદ પટેલના નિધનની માહિતી આપતાં દેશભરમાં શોક જોવા મળી રહયો છે. ખાસ કરીને તેમના માદરે વતન પિરામણમાં આંસુનો દરિયો વહી રહયો છે. મોટી સંખ્યામાં લોકો તેમના નિવાસસ્થાનની બહાર એકત્ર થઇ ગયાં છે. તેઓ અહમદ પટેલના નશ્વર દેહને દીલ્હીથી પિરામણ લાવવામાં આવે તેની રાહ જોઇ રહયાં છે. અહમદ પટેલની અંતિમ ઇચ્છા મુજબ તેમના મૃતદેહને પિરામણ ગામમાં તેમના માતા અને પિતાની કબર વચ્ચે દફન કરવામાં આવશે.

સાંસદ અહમદ પટેલે ભરૂચ જિલ્લાના વિકાસમાં સિંહફાળો આપ્યો છે. તેઓ સૌથી પહેલા દહેજમાં આઇપીસીએલ કંપની લાવ્યાં હતાં આ ઉપરાંત નર્મદા નદી પર બનેલો કેબલ બ્રિજ પર અહમદ પટેલની દેન છે. ભરૂચ જિલ્લા માટે તેમણે અગણિત વિકાસ કામો કર્યા છે. શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવતાં અહમદ પટેલે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ અને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલનું નવીનીકરણ કરી લોકોના આરોગ્ય પ્રત્યે ખાસ ધ્યાન આપ્યું છે. એચએમપી ફાઉન્ડેશનના માધ્યમથી તેમણે આદિવાસીઓ સમાજના લોકોને અનેકગણી મદદ કરી છે. નાત અને જાતના ભેદભાવ વિના સેવાકાર્ય કરનારા અહમદ પટેલની વિદાયે લોકોને ચોંકાવી દીધાં છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમને શ્રધ્ધાજલિ અર્પણ કરી રહયાં છે.

Next Story