કોરોના વાયરસ સામે નાગરિકોને રક્ષણ આપવા રાજ્ય સરકાર દ્વારા આદરવામાં આવેલી રસીકરણની ઝૂંબેશ તીવ્ર ગતિથી ચાલી રહી છે. રસી લીધા બાદ વ્યક્તિમાં કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થાય છે. આ વાત લેબ ટેસ્ટમાં પૂરવાર થઇ ચૂકી છે.
ભરૂચમાં કોરોના વાયરસની વેક્સીનનો પ્રથમ ડોઝ લેનારા અને શહેરની પ્રખ્યાત જીવનજ્યોત હોસ્પિટલ સાથે સંકળાયેલા ડો.કિરણ છત્રીવાલા પોતાનો એન્ટિબોડી ટેસ્ટ કરાવતા જાણવા મળ્યું કે તેમની રોગપ્રતિકાર શક્તિમાં અનેક ગણો વધારો થયો છે. ભરૂચમાં ગત્ત તા.5 માર્ચના રોજ ડો. કિરણે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. થોડા દિવસો બાદ તેઓએ એન્ટી બોડી પરીક્ષણ કરાવતા તેઓની રોગ પ્રતિકારક ક્ષમતામાં અનેક ઘણો અને આશ્ચર્યચકિત કરી દેનારો વધારો જોવા મળ્યો હતો. ગત ઓગસ્ટ મહિનામાં તેઓ કોરોના પોઝિટિવ થયા હતા જે બાદ સારવાર લેતા તેઓ સ્વસ્થ થઈને પુનઃ દર્દીઓની સેવામાં જોતરાઈ ગય હતા. ગત જાન્યુઆરી મહિનાની 20 તારીખે તેમને પોતાનો એન્ટી બોડી ટેસ્ટ કરાવતા તે IgG 3.89 યુનિટ આવ્યું હતું, જે કોરોનાની કોવિશિલ્ડ વેક્સીન લીધા બાદ તાજેતરમાં તા.18 માર્ચે પુનઃ એન્ટી બોડી ટેસ્ટ કરાવતા તેમાં 200+ ઇમ્યુનિટી લેવલ ડેવલપ થયેલું જણાઈ આવ્યું હતું.
ડો. છત્રીવાલા કહે છે, “મેં શરૂઆતમાં એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યો હતો જે રિપોર્ટમાં એવું ધ્યાને આવ્યું હતું કે મારામાં શરીરમાં કોરોના વાયરસ સામે લડી શકે એવી એન્ટીબોડી નહોતી. આઇજીજી પ્રકારની એન્ટીબોડીનું પ્રમાણ ખૂબ ઓછું હતું. જો કે, મને તે વખતે કોરોના પણ થયો નહોતો. બાદમાં તાજેતરમાં મેં વેક્સીનનો ડોઝ લીધા બાદ એન્ટિ બોડી ટેસ્ટ કરાવ્યો તો તેમાં આઇજીજીનું પ્રમાણ 200 થી વધારે યુનિટ જોવા મળ્યું હતું. એનો બીજો મતલબ એ થયો કે મારી રોગપ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થયો છે.”
માનવ શરીરમાં ત્રણ પ્રકારના એન્ટીબોડી બને છે. જેને ઇમ્યુનોગ્લોબ્યુલન-એમ, જી, અને ઇ તરીકે વર્ગિકૃત કરવામાં આવે છે. એમ પ્રકારની એન્ટિબોડી કોઇ રોગ લાગુ પડે એ બાદ ૧૫ દિવસ સુધી રહેતી હોય છે. એ બાદમાં શરીરમાં જી પ્રકારની એન્ટીબોડી બને છે. જેને આઇજીજી કહેવામાં આવે છે. આ એન્ટિબોડી શરીરમાં લાંબા સમય સુધી સક્રિય રહેતી હોય છે. એલર્જી જેવા દર્દીમાં આઇજીએમ બને છે.
કોરોના સામે ભારતીય વેક્સીન એકદમ સુરક્ષિત અને ૭૦ ટકા કારગત છે, એ વાત ઉક્ત બાબત સાબિતી આપે છે. ડો. કિરણ છત્રીવાલા કહે છે કે, કેટલાક લોકોને કોરોના વેક્સીન લીધા બાદ પણ કોરોના વાયરસ થવાની ફરિયાદો આવે છે. તે સ્વાભાવિક છે. વેક્સીન લીધા બાદ ૧૫ દિવસ બાદ આઇજીજી શરીરમાં બનવાનું શરૂ થાય છે, હવે દરમિયાન જો કોઇ ચેપ લાગે તો કોરોના વાયરસ થઇ શકે છે. શરીરમાં કોરોના વાયરસનું પ્રમાણ કેટલાક પ્રમાણમાં છે? એના આધારે એન્ટિબોડી કામ કરે છે. એટલે, સ્વાભાવિક પણે કોરોના વાયરસ લાગું પડી શકે છે. પણ, નાગરિકોએ ગભરાયા વિના રસી લેવી જોઇએ કારણકે રસીની આડ અસર કરતા અનેક ઘણા વધારે તેના ફાયદા છે.