Connect Gujarat
ગુજરાત

ભરૂચના સીતપોણ નજીક ભૂખી ખાડી ઓવરફલો થતા સરદાર આવાસમાં પાણી:રહિશોને હાલાકી

ભરૂચના સીતપોણ નજીક ભૂખી ખાડી ઓવરફલો થતા સરદાર આવાસમાં પાણી:રહિશોને હાલાકી
X

છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે ભરૂચના સીતપોણ ગામની સીમમાંથી પસાર થતી ભૂખી ખાડી ગાંડીતુર બનતા સરદાર આવાસમાં પાણી ઘૂસી જતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. ભુખી ખાડીના પાણી સરદાર આવાસમાં કેડ સમાણા ભરાઇ જતાં રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે દિવસથી ભૂખી ખાડી ઓવરફ્લો થતાં સરદાર આવાસના રહિશો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે.

ભુખી ખાડી ઓવરફ્લો થતાં મીડિયાની ટીમે સીતપોણ ગામની મુલાકાત લેતા સીતપોણ ગામના સરદાર આવાસમાં જળબંબાકારના દ્રશ્યો નજરે પડ્યા હતા. જે બાબતે ગામના મોહસીનભાઇને પુછતા તેઓએ જણાવ્યું હતું કે ભૂખી ખાડી ઓવરફલો થતા સરપંચે લોકોને બહાર કાઢયા હતા. તંત્ર તરફથી કોઇપણ મદદ ન મળી હોવાના આક્ષેપો મોહસીનભાઇએ કર્યા હતા. જ્યારે નીરૂબેન વસાવાના જણાવ્યા મુજબ પાણી ઘૂસી જતા ઘણું નુકસાન થયું છે. તંત્ર તરફથી કોઇપણ જાતની મદદ મળી ન હોવાના પણ નીરૂબેને આક્ષેપો કર્યા હતા.

જ્યારે ગામના સરપંચ જાબીરભાઇના જણાવ્યા મુજબ ભારે વરસાદથી સરદાર આવાસમાં પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરીને નુકસાન થવા પામ્યું છે. જિલ્લા પંચાયતના સભ્ય શકિલ અકુજીએ મદદ માટે કહ્યું હોવાનું જણાવ્યું હતું અને તંત્ર તરફથી કોઈ મદદ મળી ન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ભૂખી ખાડી ઓવરફ્લો થતા ભરૂચ - પાલેજ સ્ટેટ હાઇવે પર બાવારૂસ્તમ દરગાહ પાસે માર્ગ ઉપર પાણી આવી જતાં વાહન વ્યવહાર ખોરવાઇ જવા પામ્યો હતો આમ અનરાધાર ખાબકેલા વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું સર્જન થવા પામ્યું છે.

Next Story