જાપાનનાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં ગડર કરતાં પણ વિશાળ ગડર હશે ગુજરાતમાં

New Update
જાપાનનાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં ગડર કરતાં પણ વિશાળ ગડર હશે ગુજરાતમાં

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં એક હબ તરીકે વડોદરા ઉભરી રહ્યું છે

દેશનાં પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા રેલવે સ્ટેશન ખાતે જાપાનનાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં ગડર કરતાં પણ મોટાં ક્રોસ ગડરનું નિર્માણ કરાશે. સમગ્ર પ્રોજેક્ટ બુલેટ ગતિએ પુરો કરી વર્ષ 2022 સુધીમાં દેશને સમર્પિત કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે શરૂ થનાર દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ પુરગતિએ ચાલી રહ્યું છે. જેનાથી અનેક રેલવે સ્ટેશનોની કાયાપલટ થશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગામી વર્ષોમાં ભારતનાં પરિવહન ક્ષેત્રમાં એક મોટી ક્રાંતિ લાવવા જઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતનાં અમદાવાદ અને દેશની આર્થિક રાજધાની મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સાકાર કરવાં માટે કામ આરંભી દીધું છે. આ સમગ્ર પ્રોજેક્ટનાં એક હબ તરીકે વડોદરા ઉભરી રહ્યું છે. કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું મુખ્ય ટ્રેનિંગ સેન્ટર વડોદરા ખાતે બનાવવાનું નક્કી કર્યું છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ નામે આ ટ્રેનિંગ સેન્ટર વડોદરા ખાતે આવેલ દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનાં પરિસરમાં તૈયાર થઇ રહ્યું છે. 5 એકર જગ્યામાં બની રહેલાં NHSRCL ટ્રેનિંગ સેન્ટરમાં જાપાન અને ભારતનાં મળી 4 હજાર એન્જીનીયર્સ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સફળતાપૂર્વક પાર પાડવા તાલીમ પ્રાપ્ત કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નં.6 નાં કલાત્મક ગેટને તોડી પાડી બુલેટ ટ્રેનનું પ્લેટફોર્મ તૈયાર કરાશે. આ ઉપરાંત પ્લેટફોર્મ નં.7 અને પ્લેટફોર્મ નં.6 વચ્ચે એક વિશાળ ક્રોસગડર નિર્માણ કરવામાં આવશે. આ ગડર જાપાનનાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં ગડર કરતાં પણ વિશાળ ગડર હશે. જેનાં પરથી બુલેટ ટ્રેન પસાર થશે. જેથી હાલનાં સામાન્ય રેલવે ટ્રેકને નુકશાન ન થાય.