Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: આજથી 18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોએ પોતાની સાથે રાખવું પડશે વેક્સિનેશન સર્ટિફિકેટ

અમદાવાદ: આજથી 18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોએ પોતાની સાથે રાખવું પડશે વેક્સિનેશન સર્ટિફિકેટ
X

અમદાવાદમાં આજથી AMTS- BRTSની બસોમાં તથા મહાપાલિકાની ઓફિસોમાં રસી વગર કોઈ નાગરિકને પ્રવેશ નહીં મળે. 18થી વધુ વયના લોકોએ વેક્સિન લીધાનું ફિઝીકલ કે ઈ- સર્ટિફિકેટ સાથે રાખવાનું રહેશે. 17 સપ્ટેમ્બરે મ્યુનિ. કમિશનરે ટ્વિટ કરી નો વેક્સિન – નો એન્ટ્રીની જાહેરાત કરી હતી.

આ હિસાબે સોમવારથી મ્યુનિ. ની જુદીજુદી તમામ સેવા સ્થળો ઉપર કોરોના સર્ટિફિકેટની તપાસ કર્યા બાદ જ એન્ટ્રી આપવા નિર્ણય કરાયો છે. એએમટીએસ, બીઆરટીએસ, કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જીમખાના, સ્વિમિંગ પુલ, એએમસી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિટી સિવિક સેન્ટરમાં સોમવારથી વેક્સિન લીધા વગરના લોકો માટે પ્રવેશ નિષેધ કરાયો છે.

18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોએ પોતાની પાસે ફિઝિકલ કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મોબાઈલમાં ઈ-કોપી અચૂક રાખવી પડશે. પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતા પણ બીજો ડોઝ ન લીધો હોય તેવા વ્યક્તિઓને સોમવારથી પ્રવેશ મળી શકશે નહીં.

મ્યુનિ.એ કડક વલણ અપનાવતા જમાલપુર, દરિયાપુર, શાહપુર, જુહાપુરા, દાણીલીમડા જેવા જુદા જુદા વોર્ડમાં લોકોએ વેક્સિન લેવા સવારથી દોડાદોડ કરી હતી. 20 તારીખથી વેક્સિન વગર મ્યુનિ. કચેરીઓમાં પ્રવેશ નિષેધ હોવાના સમાચારના કટિંગ શનિવારથી લોકોના મોબાઈલમાં ફરતા થયા હતાં. આ કારણે લોકોએ રવિવારે જુદાજુદા વોર્ડમાં જઈ વેક્સિન લેવા દોડાદોડ કરી મૂકી હતી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 15 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,505 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 2,52,407 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 136 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 133 નાગરિકો સ્ટેબલ છે. 8,15,505 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

Next Story