Connect Gujarat
ગુજરાત

આજથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ, ભક્તોનો વિરોધ યથાવત..!

ચૈત્રી નવરાત્રી શરૂ થવાને હવે 2 દિવસની જ વાર છે. નવરાત્રી નિમિતે માઈ ભક્તોની ભીડ યાત્રા સ્થળે મોટા પ્રમાણમાં જોવા મળશે.

આજથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ, ભક્તોનો વિરોધ યથાવત..!
X

ચૈત્રી નવરાત્રી શરૂ થવાને હવે 2 દિવસની જ વાર છે. નવરાત્રી નિમિતે માઈ ભક્તોની ભીડ યાત્રા સ્થળે મોટા પ્રમાણમાં જોવા મળશે. એવામાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખી પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ પ્રતિબંધ આજથી લાગુ થઈ રહ્યો છે.

જોકે, પાવાગઢ માચીએ છોલેલું શ્રીફળ વધેરી શકાશે તેવી મંદિરના ટ્રસ્ટ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, પાવાગઢ માચી ખાતે નારિયેળ વધેરવા માટે મંદિર ટ્રસ્ટે મશીન મુક્યું છે. જેથી ભક્તો પાવાગઢ ડુંગર પર માતાજીના દર્શન કરીને પાવાગઢ માચીએ છોલેલું શ્રીફળ વધેરી શકશે. મંદિર પરિસરમાં થતી ગંદકીને લઈને ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. ટ્રસ્ટના નિર્ણય પ્રમાણે, માતાજીના દર્શને આવતા માઇ ભક્તો છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકે. ભક્તો મંદિરમાં માત્ર આખું શ્રીફળ જ લઇ જઇ શકશે. ભક્તો મંદિર નીચે ઉતરીને જ છોલેલું શ્રીફળ વધેરી શકશે એટલું જ નહીં જો વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ટ્રસ્ટના આ નિર્ણય ભક્તો, AHP અને બજરંગ દળ સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. તારીખ 14/3/23ના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવે છે કે, તારીખ 20/3/23 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદણી સાથે ઘરે લઈ જવાનું રહેશે. ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે. અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી આપ સૌને વહેંચી શકો છો. જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ સરકારના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે, દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં. જેની નોંધ સર્વ વેપારી અને માઈ ભક્તોને લેવા વિનંતી. સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

Next Story