Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દહેજ વેલ્સપન કંપનીના કામદારોના ધરણાં યથાવત, આત્મવિલોપન ચીમકીને પગલે વાતાવરણ ગરમાયું

ભરૂચ : દહેજ વેલ્સપન કંપનીના કામદારોના ધરણાં યથાવત, આત્મવિલોપન ચીમકીને પગલે વાતાવરણ ગરમાયું
X

જોલવા ખાતે આવેલ વેલ્સપન કંપનીએ સાગમટે કામદારો ને બદલીના ઓર્ડર આપતા મામલો આંદોલન સુધી પહોંચ્યો હતો. કંપની કર્મચારીઓએ પોતાની માંગ પ્રબળ બનાવવા પરિવાર સાથે કંપની ગેટ બહાર ધરણા યોજતા વાતાવરણમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. આત્મવિલોપનની ચીમકીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

વેલ્સપન કંપનીએ પોતાના ૪૦૦થી વધુ કામદારોને ટ્રાન્સફર ઓર્ડર આપી દીધા હતા. કંપનીએ તેના અન્ય પ્લાન્ટમાં કર્મચારીઓની બદલી કરતા કામદારોના યુનિયનો ભેગા મળી કંપની ગેટ બહાર ધરણા પ્રદર્શનનો માર્ગ અપનાવ્યો હતો. કર્મચારીઓએ પોતાના હક માટે કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવ્યુ હતુ. છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન પર બેઠેલા કામદારોને રોજ બરોજ અનેક સંગઠનો સમર્થન કરી રહ્યા છે. ૧૪ દિવસથી ધરણા પણ બેઠા હોવા છતાં કંપની સત્તાધીશો ટસના મસ નહિ થતા કામદાર વર્ગમાં કંપની વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

કામદારોએ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હોવાથી વાતાવરણ ઉત્તેજના ભર્યું બની ગયુ હતુ. જોકે, ૧૫માં દિવસે કામદારોએ પરિવાર સહ કંપની બહાર ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. "આવાજ દો, હમ એક હે". તેમજ "દહેજ ઇન્ડસ્ટ્રીઝ મેં સોર હે,વેલસ્પન કંપની ચોર હે"ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. ઉપસ્થિત મહિલાઓ અને બાળકોએ પ્લે-કાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓના ચેહરા ઉપર વેદના અને સંવેદનાની લકીરો સપષ્ટ જોઈ શકાતી હતી. ત્યારે મહિલાઓ રણચંડી બનીને લડી લેવાના મૂડમાં નજરે પડી હતી. આત્મવિલોપનની ચીમકીને પગલે કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ એ માટે દહેજ પી.આઈ. વી બી કોઠીયાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ તબક્કે ઇનટુકના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પરમારે જણાવ્યુ હતુ કે, એક તરફ કંપની મેનેજમેન્ટ વાટાઘાટો ચલાવે છે અને બીજી તરફ કર્મચારીઓ ને નોટિસ ફટકારે છે. કંપનીની બેવડી નીતિ સામે આવી છે. ઇનટુકનું પ્રથમ દિવસથી કામદારોને સમર્થન છે અને રહેશે. ૧૫માં દિવસના ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કામદારો, મહિલાઓ, બાળકો અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા. કામદારો અને તેમના પરિવારોનો મિજાજ જોતા આંદોલન લાબું ચાલશે એમ દેખાઈ રહ્યુ છે.

Next Story