Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જિલ્લા પંચાયતની પાલેજ બેઠકના ભાજપના સભ્યનું સભ્યપદ રદ કરવા માંગણી

ભરૂચ : જિલ્લા પંચાયતની પાલેજ બેઠકના ભાજપના સભ્યનું સભ્યપદ રદ કરવા માંગણી
X

ભરૂચ જિલ્લા પંચાયતની ચુંટણીમાં પાલેજ બેઠક પરથી વિજેતા બનેલાં ભાજપના ઉમેદવાર સલીમ ઉર્ફે મલંગ પઠાણનું સભ્યપદ રદ કરવાની માંગણી સાથે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી છે.

ભરૂચ જિલ્લા પંચાયતની પાલેજ બેઠક પર વિવાદ સામે આવ્યો છે. આ બેઠક પરથી વિજેતા બનેલાં ભાજપના ઉમેદવારનું સભ્યપદ જોખમમાં આવી શકે છે. આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અફઝલ ઘોડીવાલા તથા અન્ય આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારી સાથે મુલાકાત કરી હતી. જેમાં આગેવાનોએ જણાવ્યું હતું કે, પાલેજ બેઠક પરથી ભાજપના સલીમ ઉર્ફે મલંગ પઠાણ વિજેતા બન્યાં છે. તેઓ ૨૦૧૬માં પાલેજ ગ્રામ પંચાયતના સભ્ય અને ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ ઉપર હતાં. તે સમયે ભરૂચ તાલુકા વિકાસ અધિકારીએ પંચાયત અધિનિયમ હેઠળ બે થી વધારે બાળકો હોવાના પુરાવાઓને ધ્યાને લઇ તેઓને હોદ્દા ઉપરથી દુર કરવા હુકમ કર્યો હતો.

રાજનૈતિક દબાણ હેઠળ તેમને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરાવવાના આગોતરા આયોજનના ભાગરૂપે ટીડીઓના હુકમને રદ કરી દેવાયો હતો. આ બાબતને લઈ પાલેજ બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અફઝલ ઘોડીવાલાએ ગુજરાત હાઈકોર્ટેમાં પિટિશન દાખલ કરી હતી. તારીખ 14મી જુન 2021 ના મૌખિક હુકમથી ભરૂચ ડીડીઓના અગાઉના હુકમને સ્થગિત કોર્ટે કરી દીધો છે. હાઇકોર્ટના હુકમથી પંચાયત અધિનિયમ હેઠળ ડીડીઓએ હજી પણ સલીમ પઠાણને સભ્યપદેથી દુર કર્યા નથી.

આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રાણા, સંદીપસિંહ માંગરોલા,શેરખાન પઠાણ, પીટીશનર અફઝલ ઘોડીવાલા,અરવિંદ દોરાવાળા,શકીલ અકુજી, વિકી શોખી, સમશાદઅલી સૈયદ સહિત અન્ય આગેવાનો ડીડીઓ યોગેશ ચૌધરીને મળ્યાં હતાં. ડીડીઓએ જિલ્લા પંચાયતના સભ્યને સભ્યપદેથી દુર કરવાની સત્તા વિકાસ કમિશ્નર પાસે હોવાનું જણાવ્યું છે. જેથી કોંગી આગેવાનોએ ડીડીઓને દરખાસ્ત કરી સલીમ પઠાણને સભ્યપદેથી દુર કરવા રજુઆત કરી છે.

Next Story