દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામે સેન્ટિંગનો સામાન ભરીને જતાં ટ્રેક્ટરને અકસ્માત નડ્યો હતો. જેમાં એક યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગરબાડા તાલુકાના ખારવા ગામે દાહોદ અલીરાજપુર હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર, દાહોદ તરફથી મ.પ્ર.ના સેજાવાડા ગામે મકાન બનાવવા માટે સેન્ટિગનો સામાન ટ્રેક્ટરમાં ભરી લઈ જવતો હતો, ત્યારે ખારવા ગામમાં પુલ પાસે ટ્રેક્ટર ચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉતરી પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ત્યાંથી પસાર થતાં જેસીબીને બોલાવી ટ્રોલી નીચે ફસાયેલી યુવતિઓને બહાર કાઢી હતી, જેમાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે એક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાથે જ ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં જ ગરબાડા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.