Connect Gujarat
ગુજરાત

સાળંગપુર વિવાદનો અંત : વિવાદિત ભીંતચિત્રોને કરી નવા ચિત્રો લગાવી દેવાયા…

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલા ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો

X

સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો અંત આવ્યો છે. ગતરોજ CM સાથે મળેલી બેઠક બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાત્રિ દરમિયાન તમામ વિવાદિત ભીતચિંત્રોને દૂર કરી નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે.

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલા ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. CM સાથે મળેલી બેઠક બાદ ગત રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદ ખાતે એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી ભીંતચિત્રોને હટાવવાની જાહેરાત કરી હતી. જેમાં વિવાદિત ભીતચિંત્રોને આજે સૂર્યોદય પહેલાં જ દૂર કરવામાં આવ્યા હતા, અને તેની જગ્યાએ નવાં ચિત્રો લગાડવામાં આવ્યા છે. ગત રાત્રીના 12 વાગ્યા બાદ સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો દૂર કરવાની જાહેરાત મૂજબ સમગ્ર કષ્ટભંજન મંદિર પરિસરની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ ભરઅંધારામાં મીડિયાને દૂર રાખી વિવાદિત ચિત્રો દૂર કરવાના વડતાલ ગાદીના મહંતોએ પ્રયાસ હાથ ધર્યો હતો. તે દરમિયાન બોટાદ જિલ્લા ઉપરાંત જિલ્લા બહારની પોલીસે મીડિયાને કવરેજ કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. મંદિરના વહીવટકર્તાઓએ પોલીસને આગળ કરી ચિત્રો દૂર કરવાની પ્રક્રિયા પર ઢાંકપીછાડો કર્યો હતો. ભીંતચિત્રોને દૂર કરવાની કામગીરી દરમિયાન પડદા બાંધી સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Next Story