કચ્છ જિલ્લાના ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો સાથે જ યુનેસ્કો દ્વારા ધોળાવીરા હડપ્પીય સાઈટને વિશ્વ હેરીટેજ સ્થળ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે હવે ધોળાવિરાને વૈશ્વિક ઓળખ મળશે.
ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીર બેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ તેની ભીતરમાં લઇને બેઠું છે. ભારત સરકારે ગયા વર્ષે ધોળાવીરાને યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે સામેલ કરવા ડોઝિયર મોકલ્યું હતું. ત્યારબાદ યુનેસ્કોની ટીમ ધોળાવીરા આવીને હેરીટેજ સાઇટનું નિરીક્ષણ પણ કર્યું હતું.
ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાતા કચ્છને વધુ એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મળી છે. સિંધુ સભ્યતાના સૌથી મોટા નગરોમાં સામેલ થતા ધોળાવીરા અનેક રીતે ખાસ છે. લગભગ 3 દાયકા પહેલા થયેલા ઉત્ખનન કાર્ય બાદ ધોળાવીરાના અનેક રહસ્યો બહાર આવવા લાગ્યા હતા.
ધોળાવીરા એક આયોજન બદ્ધ શહેર હતું. અહીં પાણી સંગ્રહ, પુરથી બચવાના કાર્યો, સ્ટેડિયમ સહિતના સ્થળો માત્ર ધોળાવીરામાં છે. અન્ય કોઇ હડપ્પન શહેરમાં આવી યોજના નથી. ખાસ કરીને ધોળાવીરામાં 10 અક્ષર ધરાવતું સાઇન બોર્ડ મળી આવ્યું છે. આ લિપિ માત્ર ધોળાવીરામાં મળી છે. જેના અક્ષર જિપ્સમથી બનાવવામાં આવ્યા છે. નગરને ખાલી કરતી વખતે લોકોએ પ્રવેશ દ્વાર પરથી આ સાઇનબોર્ડ એક રૂમમાં રાખી દીધું હતું. જેથી તે સુરક્ષિત મળી શક્યું છે. ધોળાવીરા પ્રારંભ, મધ્યમ અને તેના અંતના સમયનું સંપૂર્ણ બાંધકામ મળી શક્યું છે.
હાલ અહી રણ છે. પરંતુ 5 હજાર વર્ષ પહેલા ત્યાં સમુદ્ર હતું. અહીં જહાજો પણ આવી શકતા હતા. જેના પગલે ધોળાવીરા એક વૈશ્વિક વ્યાપારિક હબ હતું. કારણ કે, ધોળાવીરાથી છેક મોસોપોટેમિયા, આરબ અને ઇરાન સુધી વેપાર થતો હતો. અહીં શંખ, તાંબુ સહિતના ઉદ્યોગો વિકસ્યા હતા. ધોળાવીરામાં એક હજારથી વધારે વજનીયા મળ્યા છે. હડપ્પાના બાકી તમામ શહેરોમાંથી મળેલા વજનીયાથી આ સંખ્યા વધારે છે. જેના પગલે તે સમયમાં ધોળાવીરા ખૂબ જ મોટુ વ્યાપારિક મથક હોવાનું સાબિત થયું છે.