Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : કાલોલના ચલાલી ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ટીડીઓને કરાઈ રજૂઆત

પંચમહાલ : કાલોલના ચલાલી ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ટીડીઓને કરાઈ રજૂઆત
X

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા ચલાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં રાજ્ય સરકારની યોજનાઓમાં વિકાસના કામો કરવામાં આવ્યા હતા તે કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. જે અંગે ચલાલી ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ અંગે તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં લાખો રૂપિયાના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રજુઆત ગ્રામજનોએ કાલોલ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરીને કરવામાં આવી છે . આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ચલાલી ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યો માટે કેન્દ્ર તેમજ રાજય સરકારની યોજનાઓ થકી આવતી લાખો રૂપિયાની ગ્રાન્ટોમાં સરકારના નીતિ નિયમો અનુસાર કામો કર્યા વગર ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી અને કોન્ટ્રાક્ટરો દ્વારા એકબીજાના મેળાપીપણાથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

તેમજ શૌચાલયોના લાભો લાભાર્થી સુધી પહોંચ્યા નથી અને ઘણી જગ્યા પર તો માત્ર કાગળ ઉપર જ કામ કર્યુ હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. જયારે સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જે ચલાલી ગામને 100% શૌચ મુક્ત ગામ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. હાલમાં પણ ગામમાં 50% જેટલા પણ શૌચાલયો બનાવેલ નથી તેમજ જે શૌચાલયો મંજુર કરવામાં આવ્યા છે, જેના નાણાં લાભાર્થીને આપવાને બદલે સીધે સીધા ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. જેના કારણે સરકારના નાણાં સીધેસીધા લાભાર્થી સુધી પહોંચતા નથી અને લાભાર્થીઓ શૌચાલયોના લાભથી વંચિત રહે છે. જે નાણા પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી બારોબાર ઉપાડી લેવામાં આવે છે.

આ ઉપરાંત આવેદનપત્રમાં વધુમાં જણાવ્યુ હતું કે, ગરીબોને રોજગારી પુરી પાડતી મનરેગા યોજનામાં જે પણ કામો કરવામાં આવ્યા છે તેમાં પણ તદ્દન ભ્રષ્ટાચાર જ જોવા મળે છે. જેમ કે વર્ષ ૨૦૧૭થી વર્ષ ૨૦૨૧ સુધી જે જોબ કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે, તે તદ્દન બોગસ છે. આ યોજના ગરીબી રેખા હેઠળ જીવતી વ્યક્તિને રોજગારી આપવા માટેની યોજના હોય તો જે ગરીબ લોકો છે તેમને જોબ કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા નથી અને આ યોજનામાં જે રોજગારી ગરીબ લોકોને મળે તે પણ મળેલ નથી. તેમજ આ મનરેગા યોજનામાં જે પણ કઈ કામો કરવામાં આવ્યા છે તે તમામ કામો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવામાં આવ્યા હોવાની ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવી છે.

આ અંગે લગતા વળગતા અધિકારી, સરપંચ તેમજ તલાટી કમ મંત્રીને અનેકવાર ગામલોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી ઉડાઉ જવાબો આપવામાં આવે છે. આ ગ્રામ પંચાયતમાં હાલ સરપંચ તરીકે અલ્પાબેન સંજયકુમાર ચૌહાણ ફરજ બજાવે છે પરંતુ તેમનો વહીવટ ચૌહાણ મોહનસિંહ ગુલાબસિંહ સંભાળે છે. તેવી જ રીતે ડેપ્યુટી સરપંચ તરીકે ચૌહાણ આનંદીબેન મહિપતસિંહ છે અને તેઓનો વહીવટ તેમના પતિ મહિપતસિંહ સંભાળી રહ્યા છે. ચલાલી ગ્રામ પંચાયતમાં જે પણ વિકાસના કામો કરવામાં આવ્યા છે તે અંગે તટસ્થ તપાસ કરી અમો ગ્રામજનોને યોગ્ય ન્યાય અપાવવા તેમજ કસુરવારો સામે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી કાલોલ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

Next Story