હાલમાં આકરા ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની મુશ્કેલી ઉભી થઈ રહી છે, તો બીજી બાજુ કેટલાક ગામોના જળાશયોમાં પણ નીર રહ્યા નથી. પરિણામે ગ્રામજનોને પીવાના પાણી માટે રઝળપાટ કરવો પડે છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાનાં રાવળીયાવદર ગામના લોકોની આવી જ કંઈક હાલત બની હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે, ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના લોકોને છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. ગામનું તળાવ છેલ્લા કેટલાક વર્ષોથી ખાલીખમ જોવા મળે છે. ગ્રામજનોને પીવાના પાણી માટે જે તે ખેતરમાં આવેલા બોરમાંથી પાણી ભરવુ પડે છે. એમાંયે કેટલાક બોરનું પાણી પણ પીવાલાયક ન હોવાથી ગ્રામજનોને નાછુટકે પૈસા ખર્ચી પાણીના કેરબા લેવા પડે છે.ગામના સરપંચ દ્વારા મુખ્ય તળાવને નર્મદાના કેનાલમાંથી ભરવા માંગ કરવામાં આવી છે. પરંતુ આ રજૂઆત પણ જાણે ટલ્લે ચડી હોય તેમ ધ્યાન અપાતુ નથી. પરિણામે ગ્રામજનો હેરાન - પરેશાન થાય છે.આ બાબતની નોંધ લઈ સબંધિત અધિકારીઓ દ્વારા રાવળીયાવદરના તળાવને નર્મદાના નીરથી ભરવાની સૂચના આપવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે.