Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સૂકાભઠ્ઠ રણકાંઠાનું કલંક ભૂંસવા પાટડીમાં નંદનવન બનાવાશે, હરીયાળી ક્રાંતિ માટે લોકોએ કમર કસી

સૂકાભઠ્ઠ રણકાંઠાની ઉજ્જડ અને વેરાન જમીનમાં લીલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી બાબત છે

સુરેન્દ્રનગર : સૂકાભઠ્ઠ રણકાંઠાનું કલંક ભૂંસવા પાટડીમાં નંદનવન બનાવાશે, હરીયાળી ક્રાંતિ માટે લોકોએ કમર કસી
X

સૂકાભઠ્ઠ રણકાંઠાની ઉજ્જડ અને વેરાન જમીનમાં લીલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી બાબત છે,ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા પંચાયતના પ્રમુખ, આર.એસ.એસ.ના સભ્યો અને નિવૃત શિક્ષકોએ વન વિભાગને સાથે રાખી પાટડી પથંકને નંદનવન બનાવવા માટે કમર કસી છે. આથી વર્ષો બાદ સૂકાભઠ્ઠ રણકાંઠાનું કલંક હરીયાળી ક્રાંતિની દ્વારા ભૂંસાશે અને ચારેબાજુ વૃક્ષોની હરીયાળીથી પાટડી પથંક પહેલી વખત નંદનવન બનશે.

સૂકાભઠ્ઠ રણકાંઠાની વેરાન અને જમીનના કારણે અહીં ઝાલાવાડના અન્ય વિસ્તાર કરતા વરસાદ પ્રમાણમાં ખૂબ ઓછો પડે છે. પરંતુ સૂકાભઠ્ઠ વિસ્તાર તરીકે પ્રચલિત પાટડી તાલુકાના 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદાના નીર પહોંચતા હવે ધીમે ધીમે રણકાંઠાની બંજર જમીનમાં હરીયાળી ક્રાંતિની પરિકલ્પના સાકાર થવાની સંભાવના વધી ગઇ હતી, જ્યારે બીજી તરફ બે દિવસ અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશ ડોડીયાએ પાટડી વનવિભાગના કચેરીના રેંજ ફોરેસ્ટ ઓફિસરની મુલાકાત લઇ વન વિભાગને સાથે રાખી ચોમાસા પહેલા સમગ્ર પાટડી પથંકના ગામડાઓમાં સઘન વૃક્ષારોપણ કરવાની કામગીરીની વ્યુહ રચના ધડી કાર્યવાહી હાથ ધરી હતી. તો સાથે જ પાટડી પ્રાથમિક શાળાના નિવૃત આચાર્ય અને વન વિભાગના નિવૃત કર્મચારી સહિતના કર્મચારીઓ પણ નિવૃત્તિ બાદ સમય કાઢીને વૃક્ષારોપણ કરવાની સાથે ઝાડવાઓની માવજત કરી પાટડી પથંકને નંદનવન બનાવવા કમર કસી છે. પાટડી પથંકના માલણપુર ગામે 1400ની વસ્તી સામે 8500 વૃક્ષો અને પાટડી તાલુકાના સલી ગામે વૃક્ષોની હારમાળાથી બન્ને ગામ આદર્શ ગામોની શ્રેણીમાં આવ્યા છે. એ જ રીતે પાટડીમાં એક જ મેદાનમાં આવેલી શ્રી સુરજમલજી હાઇસ્કુલ, શ્રી રઘુવિરસિંહજી પ્રાથમિક શાળા, શ્રી નાનુબાપા કન્યાશાળાે અને શ્રી સુરજમલજી પ્રાથમિક શાળા મળી ચારેય શાળામાં 1637 વિદ્યાર્થીઓ સામે 1121 જેટલા ઘટાદાર વૃક્ષોની હારમાળાથી આકરા ઉનાળાની 45 ડીગ્રી ગરમીમાં શાળાના રૂમોનું તાપમાન 2 ડીગ્રી ઓછું જોવા મળે છે. ઉપરાંત પાટડી નગરપાલિકા દ્વારા પાટડીના ઐતિહાસિક શક્તિમાતા મંદિરના ફરતે તળાવ કિનારે લાઇનબધ્ધ 800 રોપાઓનું વાવેતર કરવાની સાથે એની જાળવણી કરી આ સ્થળને દર્શનાર્થીઓ અને શ્રધ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સાથે એક ફરવાલાયક સ્થળ તરીકે વિકસાવશે. પાટડી આર.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા પાટડીને નંદનવન બનાવવાની એક અનોખી પહેલ રૂપે પાટડીમાં 21000ની વસ્તી સામે 21000 વૃક્ષોનું વાવેતર કરી પાટડીને એક આદર્શ નગર બનાવવાની શરૂઆત કરી છે. જે અંતર્ગત આર.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા વિશ્વેશ્વર મહાદેવ, મેલડી માતાના મંદિર અંબિકાનગર અને શ્રીનાથજી સીટીમાં વનવિભાગના સહયોગથી ઘેર-ઘેર રોપાઓનું વિતરણ કરી લોકામાં વૃક્ષ ઉછેરની જાગૃતિ ફેલાવવાનું આદર્શ કામ કરવાની પણ શરૂઆત કરવામાં આવી છે.

Next Story