/connect-gujarat/media/post_banners/81eadbfe7dbc76181f9552150d312db1159dd570422c13ad9c7621098d3b29fb.jpg)
સુરેન્દ્રનગર જિલ્લામાં સફેદ મીઠુ પકવતા અગરિયાઓને મીઠા ઉત્પાદન બાદ મીઠાના વેસ્ટ પાણીથી આવક થતી હતી. પરંતુ બ્રોમીનના ભાવ ગગડતા ફેક્ટરી માલિકો તથા અગરિયાઓ પાસેથી બીટર્નના ટેન્કર ખરીદતા નાના વેપારીઓને આર્થિક નુકસાની થવાની ભીતી સેવાઈ રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાને અડીને આવેલ કચ્છના નાના રણમાં કાળી મજૂરી કરી સફેદ મીઠુ પકવતા અગરિયાઓને મીઠા ઉત્પાદન બાદ મીઠાના વેસ્ટ પાણીથી આવક થતી હતી. આ વેસ્ટ પાણીને બીટર્ન તરીકે ઓળખવામાં આવે છે. બીટર્નમાંથી બ્રોમીન અને મેગ્નેશિયમ બનાવવામાં આવે છે. અંદાજે ખારાઘોડામાં 15થી વધુ એકમ આવેલ છે. ખારાઘોડા રણમાં મીઠાનું આશરે 30 લાખ ટન ઉત્પાદન દર વર્ષે સરેરાશ થાય છે. ખારા પાણીથી સ્થાનિક ફેક્ટરીમાં પ્રક્રિયા દ્વારા બ્રોમીન અને મેગ્નેશિયમ બનાવાય છે. ગત વર્ષે 200 કરોડ કરતાં વધુ ટર્નઓવર એકમોએ કર્યા હતા, ત્યારે સ્થાનિક ફેક્ટરીઓ અગરિયાઓ પાસેથી અંદાજે 50 હજાર ટેન્કર બીટર્ન ખરીદે છે. તેનાથી અગરિયાઓને મીઠા ઉત્પાદન ઉપરાંત આવક થતી હતી. ગત વર્ષે સાડા ચાર લાખ રૂપિયા પ્રતિ ટનના ભાવથી બ્રોમીન વેચાયું હતું. પરંતુ આ વખતે ભાવ તળિયે જતા પ્રતિ ટન 2 લાખ થઈ ગયા છે. આ સમગ્ર સ્થિતિ નિર્માણ થવાનું કારણ જણાવતા ખારાઘોડા સ્થિત બ્રોમીન ઉત્પાદન કરતા એકમના ડિટેક્ટર મુકુલ અગ્રવાલે જણાવ્યુ હતું કે, ભારત દેશમાં અન્ય 2 દેશમાંથી બ્રોમીન આયાત થવાના કારણે ભાવ તળિયે પહોંચ્યા છે. સરકાર દ્વારા બહારના દેશોમાંથી આયાત થતાં બ્રોમીન પર અન્ય કર લગાવવામાં આવે તો સ્વદેશમાં ઉત્પાદન થતાં બ્રોમીનના ભાવ ફરી મૂળ સ્થિતિ પર આવે તેવી શક્યતા છે, ત્યારે હાલ તો સરકાર આ બાબતે ધ્યાન આપે જેથી સ્થાનિક અગરિયા અને નાના વેપારી તથા ફેક્ટરી માલિકો પર નભતા લોકોની આજીવિકા જળવાઈ શકે તેમ છે.