Connect Gujarat
ગુજરાત

પાલેજ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાનનો કાર્યક્રમ યોજાયો

પાલેજ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાનનો કાર્યક્રમ યોજાયો
X

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને શરૂ કરવામાં આવ્યું જનસંપર્ક અભિયાન

આગામી લોકસભાની ચૂંટણી ૨૦૧૯ ના પડઘમ સંભળાઇ રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા તૈયારીના ભાગરૂપે કવાયત હાથ ધરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ થઇ ચુક્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી તમામ જિલ્લાઓમાં જનસંપર્ક અભિયાન કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત ભરૂચના પાલેજ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પરિમલસિંહ રણાની અધ્યક્ષતામાં જનઅભિયાન સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં કોંગ્રેસના મગન માસ્તરે ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે જે કામો કર્યા છે તે લઇને આગામી લોકસભાની ચૂંટણી સમયે લોકો પાસે જવાનું છે. હાલની સરકારમાં કોઇપણ કામો માટે આજે લોકોને ધક્કા ખાવા પડે છે. કોંગ્રેસના શાસનની સિદ્ધિઓ પણ તેઓએ લોકોને જણાવી હતી. મનભેદ અને મતભેદ બાજુએ મુકી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા હાકલ કરી હતી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશથી ૨૧ મી બેઠક પાલેજ ખાતે કરી રહ્યા છે. હાલમાં ચાલી રહેલા જનસંપર્ક અભિયાનમાં તાલુકા, જિલ્લા પંચાયતના સદસ્યોને પણ જવાબદારી સોંપાશે. જેમાં મુખ્ય મુદ્દો કોંગ્રેસની વિચારધારાને લોકો સુધી પહોંચાડી સાચી સમજ આપવાની છે. આગામી લોકસભા ચૂંટણી વિચારધારાની સાથે લડવાની વાત કરી હતી. રોજગારી મુદ્દે બોલતા તેઓએ જણાવ્યું હતું કે, સરકાર ૮૫ ટકા રોજગારીની ગુલબાંગો હાંકે છે. પરંતુ બેરોજગાર યુવાનોની સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી છે. લોકસભા ઉમેદવારની ટિકિટ ગમે તેને આપવામાં આવે પણ કાર્યકરોએ ખભે ખભા મિલાવીને કોંગ્રેસને જીતાડવા હાકલ કરી હતી. સંગઠન માળખું મજબુત કરવા ઉપર પણ ખાસ ભાર મુક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયત અધ્યક્ષા જશુબેન પઢીયાળ, પરિમલસિંહ રણા, શેરખાન પઠાણ, સલીમ પટેલ, અરવિંદ દોરાવાળા, મકબુલ અભલી, શકીલ અકુજી, સલીમ ફાંસીવાલા, સુલેમાન પટેલ, દિલાવર પટેલ, મોહસીન પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા.

Next Story